વારાણસી, ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા ’મોદી કા પરિવાર’ અભિયાન ચર્ચામાં આવી ગયું છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સ્થાનિક લોકોએ તેમના ઘરની બહાર ’અમે મોદીનો પરિવાર છીએ’ના પોસ્ટર લગાવી દીધા છે. તેમનું કહેવું છે કે પીએમ મોદી દેશવાસીઓ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ તેમનો પરિવાર છે.
ભાજપના નેતાઓએ સોમવારે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર મોદી કા પરિવાર સાથે તેમના નામનો પ્રત્યય લગાવ્યો અને વિપક્ષ પર વળતો પ્રહાર કર્યા હતાં રવિવારે ’ભારત’ ગઠબંધને બિહારમાં લોક્સભા ચૂંટણીને લઈને મેગા રેલી યોજી હતી. આ જ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એવી ટિપ્પણી કરી હતી જેનાથી વિવાદ સર્જાયો છે. હવે ભાજપે આને મુદ્દો બનાવીને સોશિયલ મીડિયા પર ’મોદી કા પરિવાર’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત પાર્ટીના નેતાઓ અને કાર્યર્ક્તાઓ તેમની એક્સ પ્રોફાઇલની સામે ’મોદીનો પરિવાર’ ઉમેરી રહ્યા છે.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અંગત ટિપ્પણી કરી હતી. લાલુએ કહ્યું, ’નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારવાદ પર પ્રહાર કરી રહ્યા છે. લોકોના વધુ બાળકો હોવા અંગે વડાપ્રધાન કહે છે કે લોકો પરિવાર માટે લડી રહ્યા છે.’ તેમણે વડાપ્રધાન વિશે કહ્યું કે તમારો પરિવાર નથી. લાલુ અહીંયા ન અટક્યા. તેણે કહ્યું કે તમે હિંદુ પણ નથી. જ્યારે તમારી માતાનું અવસાન થયું ત્યારે તમે તમારા વાળ કે દાઢી કપાવી ન હતી, જ્યારે દરેક હિંદુ તેની માતાના શોકમાં તેના વાળ અને દાઢી મુંડાવે છે.