વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા: કમાન્ડો દ્વારા રીહર્સલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.25ને રવિવારના રોજ રાજકોટની મુલાકાત દરમ્યાન એઈમ્સ, ઝનાના હોસ્પિટલ સહિત સૌરાષ્ટ્રના રૂા.5000 કરોડના વિકાસ પ્રોજેકટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર હોય તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભાને સંબોધિત કરનાર હોય એસપીજી કમાન્ડોએ આજે રાજકોટ આવી પહોંચી એકશન મોડ પર કામગીરી શરૂ કરી દીધી છે.

 જેમાં બપોરના અને સાંજના જુના એરપોર્ટ તેમજ એઈમ્સ ખાતે આ એસપીજી કમાન્ડોએ પોલીસ સાથે ખાસ રીહર્સલ કયુર્ં હતું જેમાં રેવન્યુ અધિકારીઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને આજે બપોરના 3-30 ક્લાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ સહિત રાજયના છ જીલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી.

 આ ઉપરાંત એઈમ્સને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વા ચંદ્રા તેમજ નેશનલ હેલ્થ મીશનના ડાયરેકટર રેમ્યા મોહન પણ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા જેઓએ રાજકોટ આવ્યા બાદ તુરંત જ અધિકારીઓ સાથે બેઠક યોજી એઈમ્સ પ્રોજેકટની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેઓએ એઈમ્સની પણ સ્થળ મુલાકાત લીધી હતી.

 તેમજ રાજયના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ પણ રેમ્યા મોહન, અધિક કલેકટર કે.જી. ચૌધરી સહીતના અધિકારીઓ સાથે એઈમ્સ અને રેસકોર્ષના વડાપ્રધાનના સ્થળની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહેનાર છે.

 તેની સાથોસાથ અનેક કેન્દ્રીય મંત્રીઓને પણ આમંત્રણ પાઠવી દેવામાં આવેલ છે. વડાપ્રધાનના આ રાજકોટના કાર્યક્રમ માટે ડે.કલેકટર ચરણસિંહ ગોહિલ, સંદીપ વર્મા, ડો. મેહુલ બરાસરા, સુરજ સુથાર, અને પ્રીયંક ગલ્ચરને વિશેષ જવાબદારી સોંપાતા તેઓ આજે રાજકોટ આવી પહોંચી પોતાની જવાબદારી સંભાળી લીધી છે.

સુત્રોના જણાવ્યા મુજબ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત વડાપ્રધાનની જંગી સભામાં વડાપ્રધાન મોદી પબ્લીક માટેના દરવાજામાંથી એન્ટ્રી લઈ લોકોનું અભિવાદન ઝીલતા સ્ટેજ પર જશે.  વડાપ્રધાનના આ રાજકોટના કાર્યક્રમને અનુલક્ષીને કલેકટર પ્રભવ જોશી સહિત રેમ્યા મોહન, ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓએ એઈમ્સ ખાતે પણ રૂબરૂ વિઝીટ લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

► વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી તા.25ને રવિવારે રાજકોટની મુલાકાત બપોરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વિરાટ જનસભા આયોજીત કરવામાં આવી હોય નેશનલ હેલ્થ મીશનના ડાયરેકટર રેમ્યા મોહન અને કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વા ચંદ્રાએ આજે રાજકોટમાં પડાવ નાખી દીધો છે તેની સાથોસાથ પાંચ ડે.કલેકટરો પણ રાજકોટ આવી પહોંચેલ છે. આ અધિકારીઓએ આજે વડાપ્રધાન મોદીના સભાસ્થળ રેસકોર્ષ ગ્રાઉન્ડ તેમજ એઈમ્સની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી હતી તે તસ્વીરી ઝલક.