વડાપ્રધાનના કાર્યક્રમ માટે તૈયારીઓ આખરી તબકકામાં: રાજકોટમાં જાહેર સભા યોજાશે

  • મોદીનું ઈન્ડીયા-વન વિમાન રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે લેન્ડ થનાર પ્રથમ સતાવાર ઉડાન હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારથી બે દિવસના રાજયના પ્રવાસે આવી રહ્યા છે તો રાજકોટ તથા ગાંધીનગરમાં તેમની મુલાકાતની તડામાર તૈયારીઓ શરુ થઈ છે અને શ્રી મોદીનું ઈન્ડીયા-વન વિમાન રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે લેન્ડ થનાર પ્રથમ સતાવાર ઉડાન હશે. રાજકોટમાં શ્રી મોદી એક વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરનાર છે અને રેસકોર્ષમાં તેની તૈયારીઓ પણ થઈ ગઈ છે. શ્રી મોદી સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જયોતિરાદીત્ય સિંધીયા પણ રાજકોટ આવશે.

તો બીજી તરફ તા.28ના શુક્રવારે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દેશના પ્રથમ સેમીકોન-ઈન્ડીયા-2023નું પણ ઉદઘાટન કરશે. ભારતમાં અત્યંત મહત્વના મનાતા સેમીકન્ડકટરના ઉત્પાદન માટે મોદી સરકારે મહત્વાકાંક્ષી આયોજન કરાયું છે અને તેનું હબ ગુજરાત બને તેવી શકયતા છે તેથી તા.28ના દેશ-વિદેશના ઉદ્યોગપતિઓની હાજરી જેઓ આ ઈલેકટ્રોનિકસ અને આઈટી સાથે જોડાયેલા છે તેમની સાથે સેમીકન્ડકટર એકઝીબીશનની પણ મુલાકાત લેશે.

આ દેશની સેમીકન્ડકટર ઉત્પાદનમાં અગ્રણી માઈક્રોન સાથે ગુજરાત સરકારે કરાર કર્યા છે અને તેનો એક સેમીકન્ડકટર, એસેમ્બલી, પેકીંગ, પ્લાંટ સાણંદ નજીક સ્થપાશે. આ સમારોહમાં કેન્દ્રના આઈટી, રેલ્વે મંત્રી શ્રી અશ્વીની વૈષ્ણવ, વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકર, કોમ્યુનીકેશનના રાજયકક્ષાના મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરન પણ હાજર રહેશે. સેમીકોન-ઈન્ડીયાની ભારતમાં સેમીકન્ડકટર ઉત્પાદનમાં વિશ્વની કંપનીઓને આમંત્રણ આપવામાં આવશે. ભારત સરકારે આ માટે રૂા.75000 કરોડ ખાસ પેકેજ પણ તૈયાર કર્યુ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નવા એરપોર્ટ ખાતેના કાર્યક્રમમાં તેમની સાથે બે કેન્દ્રીય મંત્રીઓ શ્રી જયોતિરાદીત્ય સિંધીયા (નાગરિક ઉડ્ડયન) તથા શ્રી મનસુખ માંડવીયા (આરોગ્ય) ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિતના ટોચના વીવીઆઈપી જ હાજરી આપશે અને અન્ય તમામ મહાનુભાવો રાજકોટમાંજ શ્રી મોદી સાથે જોડાશે.

સેમીકોન ઈન્ડીયા 2023 દરમિયાન દેશમાં સેમીકન્ડકટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝન્ટેશન કરાશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરાશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડકટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઈન, એસેમ્બલીંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાંતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઈને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કરશે. આ કાર્યક્રમમાં ફોકસકોન, માઈક્રોન, એએમડી, આઈબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએકસપી સેમીકન્ડકટર્સ, એસટી માઈક્રોઈલેકટ્રોનીકસ, ગ્રાન્ટવુડ ટેકનોલોજીસ, ઈન્ફિનિયોન ટેકનોલોજીસ, અપ્લાઈડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લેશે.

‘સેમીકોન ઈન્ડિયા 2023’ પુર્વે 25 જુલાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સેમીકન્ડકટર ઉદ્યોગને લગતા એક વિશાળ એકઝીબીશનને ખુલ્લુ મુકનાર છે. 30 જુલાઈ સુધી ચાલનારા એકઝીબીશનમાં સેમીકન્ડકટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે લોકોને માહિતગાર કરાશે. જાહેર જનતા માટે તે ખુલ્લુ રહેશે. આ કાર્યક્રમ કેન્દ્રીય ઈલેકટ્રોનીકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને કમ્યુનીકેશન મંત્રી અશ્વીની વૈષ્ણવ, વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર તેમજ ઈલેકટ્રોનીકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજયમંત્રી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. ઉપરાંત, અગ્રણી સેમીકન્ડકટર ઈન્ડસ્ટ્રીઝના વડાઓ કાર્યક્રમમાં સામેલ થશે.