પીએમના માતા હીરાબા : ૧૦૦ વર્ષનું જીવન:૬ બાળકનો ઉછેર અને એક માતાનો સંઘર્ષ

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું. તેઓ ૧૦૦ વર્ષનાં હતાં. હીરાબાએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં અંતિમશ્ર્વાસ લીધાં હતાં. હીરાબાનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું છે. પીએમ મોદી અનેકવાર એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.હીરાબાએ આ જ વર્ષે જૂનમાં પોતાના જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ ૧૮ જૂન ૧૯૨૩ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને ૬ સંતાન થયાં. નરેન્દ્ર મોદી ત્રીજા નંબર પર છે. હીરાબેન અને દામોદરદાસનાં અન્ય સંતાનો છે- અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્રી વસંતીબેન હસમુખલાલ મોદી.હીરાબા આજીવન સંઘર્ષશીલ મહિલા રહ્યાં.

પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ હીરાબેનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરવાના પ્રસંગે પોતાના મોદીના જીવનની કહાની શેર કરી હતી. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે તેમનાં માતા જ્યારે માત્ર ૬ મહિનાના હતા ત્યારે તેમનાં નાની તેમને છોડી ગયાં હતાં. તેમનો સંઘર્ષ તો ઈતિહાસ જ જાણે છે. પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે મારાં નાની ગુજરી ગયાં પછી નાનાએ બીજા લગ્ન કર્યા. એ પછી તેમને જે સંતાનો થયાં તેમના પાલનપોષણની જવાબદારી પણ હીરાબા પર જ હતી. તેઓ કહે છે કે તેમનાં માતા નાની વયમાં જ માતા બની ચૂક્યાં હતાં. ભાગ્યને આટલાથી જ સંતોષ ન હતો. નાનાજીનાં બીજાં પત્ની ગુજરી ગયાં પછી તેમણે ત્રીજા લગ્ન કર્યા હતા. તેમનાથી જે સંતાનો થયાં તેમની જવાબદારી પણ હીરાબેન પર જ આવી હતી. એ પછી તેમણે પોતાનાં બાળકોનો પણ ઉછેર કર્યો. આમ છતાં તેમને ક્યારેય પોતાના જીવન અંગે કોઈ ફરિયાદ નહોતી.

પ્રહલાદ મોદીએ એક કિસ્સો સંભળાવતાં કહ્યું હતું કે તેમનાં માતા તેમને કહેતા કે તેઓ જે મકાનમાં રહેતા, એની દીવાલ પડી ગઈ હતી. તેઓ સૂતા હતા. તેમની બાજુમાં જ તેમની નાની બહેન હતી. એ સમયે ચોર આવ્યા. તેમના હાથમાં હથિયાર હતા, પરંતુ ત્યારે જ માતા ઊભી થઈ અને ચોરોનો સામનો કર્યો. ચોરોને ભાગવું પડ્યું હતું.પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે તેમનાં માતા આટલા મજબૂત કઈ રીતે હતાં? તેમણે કહ્યું હતું કે એ વડનગરની તાસીર છે. વડનગરમાં એક જ કૂવો છે, જેમાંથી તમામ લોકો પાણી લઈને ભોજન બનાવે છે. જે ખેતરમાં એ કૂવો હતો તેમના માલિકનું નામ હતું મોગાજી ઠાકુર. તેઓ પાણી માટે કોઈને ઈનકાર કરતા નહોતા. ત્યાંથી દરેક મહિલા બે ઘડા પાણી માથાં પર ઊંચકી લાવતી હતી. ગામના પ્રવેશદ્વારથી અમારું ઘર ૧૫ ફૂટના ઊંચાઈ પર હતું. માતા દરરોજ બેવાર પાણી લાવતાં હતાં અને ત્યાંથી ચઢીને પોતાના ઘરે પહોંચતાં હતાં. કૂવામાંથી પાણી કાઢવા માટે ૧૦૦ હાથ જેટલું દોરડું ખેંચવું પડતું હતું, તેથી તેમના હાથ-પગ મજબૂત હતા.પીએમ મોદીના ભાઈ કહે છે, માતા વો ધોવા માટે તળાવે જતાં હતાં, પછી તેઓ ઘરકામ કરતાં હતાં. અન્યોનાં ઘરોમાં પણ કામ કરતાં હતાં. આ પ્રકારને તેમનું શરીર ઘણું મજબૂત રહ્યું. તેમણે સમગ્ર જીવન મહેનત કરીને વિતાવ્યું, આળસ શબ્દ તેમના જીવનમાં હતો જ નહીં.

પ્રહલાદ મોદી કહે છે, તેમનાં માતા ભણ્યા નહોતાં. તેમણે સ્કૂલ જોઈ જ નહોતી. આમ છતાં બાળકોને ભણાવવાની જિજ્ઞાસા હતી. તેઓ અમને હંમેશાં ભણવા માટે પ્રેરિત કરતાં રહેતાં હતાં. એકવાર તેમના મોટા ભાઈ ક્યાંકથી કોઈ ચીજ લઈ આવ્યા. તેઓ બાળક હતા અને તેમને ખ્યાલ નહોતો કે તેમણે ચોરી કરી છે, પરંતુ જ્યારે તેઓ ઘરે આવ્યા તો માતાએ ડંડો લીધો અને તેમને ફટકારવાનું શરૂ કર્યું અને ત્યાં સુધી લઈ ગયા, જ્યાંથી તેઓ એ ચીજ લઈ આવ્યા હતા. તેમણે એ ચીજ પાછી અપાવી. સંસ્કાર આપવાની જે કલા છે એ માતા જ આપી શકે છે અને અમારાં માતા પાસેથી અમને આ સંસ્કાર મળ્યા છે. માતાના સ્વભાવમાં બેઈમાની બિલકુલ નહોતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના ઘરમાં ગરીબીની જે સ્થિતિ હતી ત્યાં તેમને પોતાનાં બાળકોને સપ્તાહમાં ૫ દિવસ કઢી અને બાજરાનો રોટલો ખવડાવવો પડ્યો હતો. કઢીમાં થોડો ચણાનો લોટ નાખવામાં આવતો હતો, છાશ તો ત્યારે મફત મળતી હતી, એમાં એક રિંગણ નાખતા હતા અને પછી તે જ સમગ્ર પરિવાર આરોગતો હતો. માતાની પાસે પરિવારનું સમગ્ર અર્થશા હતું, તેઓ જાણતાં હતાં કે કેવી રીતે એક રૂપિયો, પાંચ રૂપિયા કે પછી વગર પૈસે સમગ્ર પરિવાર ચલાવવાનો છે.હીરાબેન હાલ પોતાના પુત્ર પંકજ મોદી સાથે ગુજરાતના ગાંધીનગરમાં રહેતાં હતાં.