
28 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બ્લી લાઈનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાના છે. જેને લઈને વડોદરા શહેરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેને લઈને દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જેમાં વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે સમગ્ર રૂટ પર રોડ કાર્પેટિંગ, બ્રિજ પર રંગરોગાન, રોડની બંને બાજુ ફૂટપાથની કામગીરી ચાલીતી જોવા મળી રહી છે. વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર તો વડાપ્રધાન મોદીની નજરથી ઝુપડપટ્ટી અને ગંદકી છૂપાવવા આડા મોટા મોટા પતરા મારવામાં આવી રહ્યા છે.
ભારત અને સ્પેનના વડાપ્રધાન માટે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં શાહી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ડેલિગેશન તથા સ્પેનના વડાપ્રધાન અને ડેલિગેશન રાજવી પરિવાર સાથે ભોજન લેશે.
વડાપ્રધાન મોદીના આગમનને લઈને હાલ વડોદરા શહેરના અમિત બ્રિજનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર બ્રિજ પર પેઇન્ટિંગ્સ પણ દોરવામાં આવી રહ્યા છે અને રૂટ પરની દીવાલો ઉપર પણ વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે. 20 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મોદી જે રૂટ પરથી પસાર થવાના છે, તે રૂટ પર રોડના કાર્પેટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પેચવર્ક, ભુવાઓનું પૂરાણ, ફૂટપાથનું રિપેરિંગ અને તૂટેલા ડિવાઈડરનું સમારકામ અને રંગરોગાન પણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત વૃક્ષોનું ટ્રિમિંગ પણ કરવામાં આવ્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટથી વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જવાના રોડ પર સાંઇદીપનગર સોસાયટી પાસે મોટા મોટા પતરાના શેડ મારવામાં આવી રહ્યા છે. અહીં રોડની બાજુમાં ઝુપડપટ્ટી અને ખૂબ જ ગંદકી છે. જેને વડાપ્રધાનથી છુપાવવા માટે આ શેડ મારવામાં આવી રહ્યા છે. વડોદરા કહેવાતી સ્માર્ટ સિટીની હકિકત છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અહીં બંને બાજુ ફૂટપાથની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના આગમનને લઈને પૂર્વ ઝોન વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી લઈને એરપોર્ટ, માણેક પાર્ક સર્કલ અને રાજીવનગર એસટીપી રોડ પર ડિવાઇડર રિપેરિંગ, ફૂટપાથ સહિતની કામગીરી ચાલી રહી છે. બ્રિજ પર રંગરોગાનની કામગીરી કરતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વડોદરાની મુલાકાતને લઈને અમે રંગરોગાન અને વોલ પેઇન્ટિંગની કામગીરી કરી રહ્યા છીએ. અમારે ત્યાં 30થી 40 માણસો કામગીરી કરી રહ્યા છે અને 20 ઓક્ટોબર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો અમારો ટાર્ગેટ છે.

વડાપ્રધાનના હસ્તે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ન્યૂ આઈપી રોડ પર વૈકુંઠ નજીક ઊભા કરાયેલા ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરક્રાફ્ટ પ્લાન્ટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં દેશના 1500 ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયું હોવાની માહિતી મળી છે. વડાપ્રધાનના આગમન અને વિકાસ સપ્તાહ અંતર્ગત પાલિકા દ્વારા શહેરને સુશોભિત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પેચવર્ક, ડિવાઈડર અને ફૂટપાથ સમારકામ, રંગરોગાન, વોલ પેઇન્ટિંગ, લાઇટિંગ, વૃક્ષોના ટ્રીમિંગ, તળાવની સફાઈ અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. સરકારી ઇમારતો પર લાઇટિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આધારભૂત સૂત્રો મુજબ વડાપ્રધાનના ન્યૂ વીઆઇપી રોડથી લક્ષ્મી વિલાસ પેલેસ સુધીના રૂટને દીવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવશે.
