આગામી ચૂંટણી અંગે થઇ શકે છે ચર્ચા : અમદાવાદ એરપોર્ટ પર જ PM મોદીની CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ સાથે મહત્વની બેઠક

  • પ્રધાનમંત્રી મોદી દ્વારાઅમદાવાદ એરપોર્ટ પર મેગા મંથન
  • મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે કરી બેઠક
  • સાંજે 5 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પર જ રોકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ અને કચ્છવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે. જેને લઈને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. આ દરમિયન વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે અમદાવાદ એરપોર્ટ જ બેઠક યોજાઇ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર મેગા મંથન વેળાએ ચૂટણીલક્ષી રણનીતિ અંગે માર્ગદર્શન આપી શકે છે. વધુમાં વિધાનસભાની આગામી ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.ઉપરાંત રાજ્યના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા રેકોર્ડ બ્રેક બેઠકો પર જીતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે ભાજપ દ્વારા  ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓની પીએમ મોદીએ સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપી શકે છે. ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટ પર જ રોકાણ કરશે.

પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ કરાયું સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CR પાટીલ,  કે.કૈલાશનાથન, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજ કુમાર, DGP આશિષ ભાટિયા અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ-આગેવાનોએ સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસ ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ સહીતની વિસ્તારોની મુલાકાત કરી વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. વધુમાં મોદી આજે અમદાવાદમાં રિવરફ્રન્ટે યોજાનારા ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે તેમજ મનપાએ તૈયાર કરેલ ફૂટ ઓવરબ્રિજનું તેઓ લોકાર્પણ કરશે. એ સિવાય અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધશે. જ્યારે આવતીકાલે કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.