પીએમ મોદીને ‘ધ બોસ’ કહેવાનું તેમના ભાષણમાં નહોતું પરંતુ તેમ છતાં તેમણે કર્યું. કારણ કે તે તેની લાગણી હતી. : એસ જયશંકર

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યા છે. આ દરમિયાન તેમનું એરપોર્ટ પર હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી સહિત ઘણા લોકો પહેલેથી જ તૈયાર હતા. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદીના વિદેશ પ્રવાસ વિશે ઘણી વાતો જણાવી અને કહ્યું કે આજે દુનિયા એક નવું ભારત જોઈ રહી છે.

પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મેરેપે પીએમ મોદીના પગને સ્પર્શ કર્યો અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે પીએમ મોદીના વખાણ કર્યા અને તેમને ‘ધ બોસ’ કહ્યા, આ વાતથી બધા વાકેફ છે. પરંતુ તેની પાછળની કહાની શું હતી, એસ જયશંકરે પણ આ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને ‘ધ બોસ’ કહ્યા હતા. આની પાછળ પણ એક કહાની છે.

એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદીને ‘ધ બોસ’ કહેવાનું તેમના ભાષણમાં નહોતું પરંતુ તેમ છતાં તેમણે કર્યું. કારણ કે તે તેની લાગણી હતી. ઓસ્ટ્રેલિયાના પીએમએ ખુદ એસ જયશંકરને આ અંગે જણાવ્યું હતું. એ જ રીતે, તેમણે પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીનું સ્વાગત કરતા પહેલા પાપુઆ ન્યુ ગિનીના પીએમ ભારતના રાજદૂત સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હું પીએમ મોદીને માત્ર મહેમાન નથી માનતો. મારા માટે તે માત્ર મહેમાન નથી પરંતુ વિશ્ર્વ ગુરુ છે.

વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે આ માત્ર તેમની જ નહીં પરંતુ આખી દુનિયાની વિચારસરણી છે અને આવો નજારો તેમણે પહેલા ક્યારેય જોયો નથી. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે દુનિયા તેમની વાત પર વિશ્ર્વાસ કરે છે અને આ વિશ્ર્વાસ જ દેશની તાકાત છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેઓ વિશ્ર્વના દેશોમાં જાય છે, વિશ્ર્વના મહાન પુરુષોને મળે છે અને ભારતની ક્ષમતા વિશે વાત કરે છે અને દેશના યુવાનોની પ્રતિભા વિશે ચર્ચા કરે છે.