મુંબઇ,
મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના બે ઓપરેટિવ્સને પીએમ મોદીને મારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ધમકી ભર્યો ઓડિયો મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોકલ્યો છે.
ધમકીના ઓડિયો મેસેજ મોકલનારે દાઉદ ઈબ્રાહીમના બે ગુંડાઓના નામ પણ આપ્યા છે, જેમને પીએમ મોદીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. પરંતુ ઓડિયો મેસેજ મોકલનારે તેનું નામ આપ્યું નથી. ઓડિયો ક્લીપ હિંદીમાં છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે. અત્યાર સુધીમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપમાં કુલ ૭ મેસેજ મોકલવામાં આવ્યા છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ સંદેશ મોકલનારને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. હીરાના વેપારીની પૂછપરછ કરવામાં આવી છે.
આનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો સુપ્રાભત વેગ નામના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ સંબંધિત હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે તેને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.