વડાપ્રધાન મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડતા રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી

નવીદિલ્હી,પીએમ નરેન્દ્ર મોદી પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આવી અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચૂંટણી પંચને પક્ષકાર બનાવીને ફાતિમાએ અરજી દાખલ કરી હતી, જેમાં પીએમ મોદી પર ભગવાન અને તેમના મંદિરના નામે વોટ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી ભગવાન અને તેમના મંદિરના નામ પર સતત વોટ માંગી રહ્યા છે. આવું કરવું ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમના પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે અરર્જીક્તાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ નિર્ણય લઈ શકે નહીં. તમારે આ બાબતે યોગ્ય એજન્સીઓનો સંપર્ક કરવો જોઈએ. કોર્ટે પૂછ્યું, ‘શું તમે અધિકારીઓનો સંપર્ક કર્યો? તમારે પહેલા ત્યાં જવું જોઈએ. કોર્ટની આ ટિપ્પણી બાદ અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી. ફાતિમાએ આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ ધર્મના નામે વોટ માંગ્યા અને આ રીતે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ મતદારોને ભાજપના નામે વોટ કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે હિંદુ દેવી-દેવતાઓ અને સ્થાનોનો ઉલ્લેખ કર્યો. આ રીતે ભગવાન અને ધર્મસ્થાનોના નામે વોટ માંગવા એ આચારસંહિતાનો ભંગ છે. એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી આવી જ એક અરજીને દિલ્હી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. આ અરજીમાં પીએમ મોદી વિરુદ્ધ એફઆઈઆરની માંગણી કરવામાં આવી હતી કે તેમણે સાંપ્રદાયિક ભાષણ આપ્યું હતું. જ્યારે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ આ મામલાની નોંધ લઈ રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે જવાબ મળ્યા બાદ તે શું કરે છે.