નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી આગામી વર્ષે યોજાશે તેને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને આગળ વધારી રહ્યું છે તો બીજી તરફ હવે એનડીએ પોતાના સહયોગી પક્ષોને જોડવાનું કામ શરૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એનડીએના ૩૩૦ સાંસદોને મળશે અને લોક્સભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓની તપાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી NDA સાંસદોના જુદા-જુદા ગૃપ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ઘણા સાંસદો તેમના કામની વિગતો પણ પીએમ મોદીને આપશે. વડાપ્રધાન અહીં દરેક સાંસદને જીતનો મંત્ર આપશે.
આ બેઠકોમાં પ્રથમ નંબર ઉત્તર પ્રદેશના સાંસદોનો આવશે. ૩૧મી જુલાઈએ પશ્ર્ચિમ યુપી, બ્રજ, કાનપુર અને બુંદેલખંડ વિસ્તારના સાંસદો સાથે બેઠક યોજાવાની છે. પીએમ મોદી ઉપરાંત જેપી નડ્ડા અને નીતિન ગડકરી બેઠકમાં હાજર રહેશે. આ મીટિંગના સંચાલનની જવાબદારી સંજીવ બાલિયાન અને બીએલ વર્માને સોંપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ બાદ ૩૧ જુલાઈએ પીએમ મોદી પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશાના સાંસદો સાથે વાતચીત કરશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે. અહીં ધર્મેન્દ્ર પ્રધાન, શાંતનુ ઠાકુર બેઠકનું સંચાલન કરશે. આ બેઠકમાં કુલ ૪૧ સાંસદો હાજર રહેશે.
૨ ઓગસ્ટે યુપીના કાશી, ગોરખપુર અને અવધ ક્ષેત્રના સાંસદોની બેઠક યોજાશે, જેમાં ૪૮ સાંસદો હાજર રહેશે. પીએમ મોદી સિવાય અમિત શાહ અને રાજનાથ સિંહ પણ બેઠકમાં હશે. તે જ દિવસે તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, પુડુચેરી, આંદામાન-નિકોબાર, લક્ષદ્વીપના સાંસદો સાથે પણ બેઠક યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીની નજર દેશના દરેક ભાગ પર છે જેથી કરીને ફરી એકવાર ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં જીતની હેટ્રિક હાંસલ કરી શકાય. આ ક્રમમાં ૩ ઓગસ્ટે પીએમની બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખના સાંસદો સાથે બેઠક યોજાશે.