
લખનૌ, દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ વધુ સુરક્ષિત બન્યાં હોવા પર ભાર મૂકીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અગાઉની યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ વારંવાર ભારતીય વિસ્તારોમાં ધુસી જતાં હતાં અને હુમલા કરતાં હતાં. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના સ્વર્ગસ્થ પિતા અને કુર્મી નેતા સોનેલાલ પટેલની ૭૪મી જન્મજયંતિ નિમિત્તે લખનૌમાં એક કાર્યક્રમને સંબોધતાં અમિત શાહે અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા.
તેમણે કહ્યું હતું કે સોનિયા-મનમોહનની યુપીએ સરકાર હતી ત્યારે લગભગ દરરોજ, આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતમાં ધુસતાં હતાં, બોમ્બ વિસ્ફોટ કરતાં, આપણા જવાનોને મારી નાખતાં અને પાછા જતાં હતા. મોદીજી વડાપ્રધાન બન્યા પછી ઉરી અને પુલવામામાં આતંકવાદી હુમલાઓ થયાં હતાં, પરંતુ આ વખતે તેઓ ભૂલી ગયા હતા કે શાસન ’મૌનીબાબા’ મનમોહન સિંહનું નથી, પરંતુ નરેન્દ્ર મોદી અને એનડીએ છે. આ હુમલાના માત્ર ૧૦ દિવસોમાં ત્રાસવાદીઓનો સફાયો કરવા માટે આર્મીને આદેશ અપાયો હતો તથા સજકલ અને હવાઇહુમલા કરવામાં આવ્યાં હતાં. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આખો દેશ સુરક્ષાની લાગણી અનુભવી રહ્યો છે. આ ઉપરાંત મોદીજીના વડપણ હેઠળ વિશ્ર્વમાં ભારતના ગર્વમાં પણ વધારો થયો છે.