સુરત, આગામી ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી “સેવા દિવસ”તરીકે મનાવવા અંગેનો નિર્ણય ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ૧૭મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવા નક્કી કરાયું છે.જેમાં “સુકન્યા સમૃદ્ધિ યોજના “અંતર્ગત શાળાએ અભ્યાસ અર્થે જતી દસ વર્ષથી નાની વયની બાળાઓના બેંક ખાતા ખોલાવી તેમાં ૫૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો પોહચાડવાની જાહેરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે.જે કાર્યક્રમની રૂપરેખા આપવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સુરતના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
સુરતના ઉધના સ્થિત ભાજપા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, અલગ અલગ એનજીઓ, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની હંમેશા સાથે પ્રણાલી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ભાજપનો કાર્યકર પણ પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓથી કરે છે. જેને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૭મી સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયા તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. જેમાં સૌપ્રથમ ગુજરાતના દરેક જિલ્લાઓમાં ૧૮ મી સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ સરળતાથી અને નિશુલ્ક પણે મળી રહે તે માટે દરેક જિલ્લાઓમાં ૧૯મી સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર સુધી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
જ્યારે ૨૩ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન ભાજપના ડોક્ટર સેલ દ્વારા દરેક જિલ્લામાં આયુષ્માન ભવ:હ અંતર્ગત મેડિકલ હેલ્થ ચેકઅપ યોજવામાં આવશે. ૨૫ મી સપ્ટેમ્બર ના રોજ પંડિત દિન દયાળ જન્મ જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે. જ્યારે ૨૬ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને દરેક ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ “દલિત વસ્તી સંપર્ક “અભિયાન અંતર્ગત ઘરે ઘરે લોકોનો સંપર્ક કરી તેઓની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરશે. લોકોની સમસ્યા જાણી ધારાસભ્યો સુધી તેઓના પ્રશ્ર્નો અંગેના નિરાકરણ કરવાના પ્રયત્નો હાથ ધરશે. ત્યારબાદ બીજી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ની ઉજવણી પણ અલગ અલગ સેવાકીય કાર્યોથી કરવામાં આવશે. ઉપરાંત ૧૭થી ૨૫ સપ્ટેમ્બર સુધી દરેક જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવશે.૩૧ ડિસેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.૩ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર દરમ્યાન “મારી માટી મારો દેશ”કાર્યક્રમ રાજ્યના તમામ ગ્રામ્ય,જિલ્લા તાલુકા કક્ષાએ કરવામાં આવશે. ચંદ્રયાન -૩ ની સફળતાપૂર્વક ના ઉતરાણ માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવતો અભિનંદનનો ઠરાવ પસાર કરવામાં આવશે.