- ઉન્ની મુકુંદને કહ્યું- ‘મારા જીવનના સૌથી શ્રેષ્ઠ ૪૫ મિનિટ’.
કોચી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કેરળના પ્રવાસે છે. પીએમ મોદીનો કેરળ પ્રવાસ ત્યાંની જનતા માટે ખાસ તો હતો જ કેમ કે આ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાજ્યને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. પીએમ મોદીએ આ દરમિયાન મલયાલમ એક્ટર ઉન્ની મુકુંદને સાથે પણ ખાસ મુલાકાત કરી. ઉન્ની મુકુંદને પીએમ સાથે પોતાની મુલાકાતને પોતાના જીવનના સૌથી યાદગાર ક્ષણ ગણાવ્યા છે. પીએમ મોદી સાથે મુલાકાત પછી એક પોસ્ટ શેર કરીને મલયાલમ એક્ટરે જણાવ્યું કે જ્યારે પીએમ મોદીએ તેમને ગુજરાતીમાં સવાલ કર્યો ત્યારે તેઓ આશ્ર્ચર્ય પામ્યા હતાં.
પીએમ મુલાકાત દરમિયાન ગુજરાતીમાં અભિનેતાને પુછ્યું, ‘કેમ છો ભઈલા’. ગુજરાતીમાં વડાપ્રધાનનો સવાલ સાંભળીને ઉન્ની મુકુંદને આશ્ર્ચર્ય પામ્યા હતાં. અભિનેતા ઉન્ની મુકુંદને આ મુલાકાતને ક્યારેય ન ભૂલવાનું ક્ષણ જણાવ્યું હતું. વડાપ્રધાને યુવમ કાર્યક્રમ બાદ ઉન્ની મુકુંદને તાજ માલાબાર હોટલ આવવા માટે આમંત્રણ પણ આપ્યું. ત્યાં તેમણે વડાપ્રધાન સાથે ૪૫ મિનિટ સુધી વાત કરી હતી. ફિલ્મ ’મલીકપ્પુરમ’ના અભિનેતા મુકુંદને કહ્યું કે તેઓ ટીનેજર હતા ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અને તેમની સાથે ગુજરાતીમાં વાત કરવા ઇચ્છતાં હતા. મુકુંદને ગુજરાતમાં ૨૦ વર્ષથી વધુ સમય વિતાવ્યો છે.
૩૫ વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેમણે પોતાની આ પોસ્ટને ‘સૌથી શ્રેષ્ઠ પોસ્ટ’ ગણાવી છે. તેમણે લખ્યું, ‘આભાર સર ૧૪ વર્ષની ઉંમરે તમને દૂરથી જોયા અને આજે આખરે હું તમને મળીને ખૂબ ખુશ છું’. મંચ પર વડાપ્રધાનને ‘કેમ છો ભઈલા’ કહીને સંબોધિત કરવાને લઇને પણ મુકુંદને પોતાનો ઉત્સાહ છુપાવી શક્યા નહીં. તેમણે કહ્યું, તમારું ‘કેમ છો ભઈલા’ એ મારી અંદર જોશ ભરી દીધું છે. તમને મળવું અને ગુજરાતીમાં તમારી સાથે વાત કરવી મારું સપનું હતું. આ સપનું આજે પૂરું થઈ ગયું. તમારી સાથે મુલાકાતના આ ૪૫ મિનિટ મારા જીવનના સર્વશ્રેષ્ઠ ૪૫ મિનિટ છે.
અભિનેતા ઉન્ની મુકુંદને ભગવાન કૃષ્ણની મૂત પીએમ મોદીને ભેટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. ઉન્નીએ કહ્યું કે વ્યક્તિગત રીતે ગુજરાતી બોલવાની ઇચ્છા પણ જાગી. ઉન્ની મુકુંદને ભૂતકાળમાં પીએમ મોદી સાથે પતંગ ઉડાડવાનો અનુભવ પણ શેર કર્યો હતો