
વિશાખાપટ્ટનમ,
દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી.વિશાખાપટ્ટનમમાં ટ્રેનને લેગ ઓફ કરવામાં આવે તે પહેલાં જ તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ૧૯ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને દેશને સમપત કરવાના છે.ડીઆરએમના જણાવ્યા અનુસાર, આ ઘટના કાંચરપાલેમ પાસે મેઇન્ટેનન્સ દરમિયાન બની હતી. વંદે ભારત એક્સપ્રેસના કોચની વિન્ડશીલ્ડને નુક્સાન થયું હતું. આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રેલવે અધિકારી અનૂપ કુમાર સતપથીએ જણાવ્યું કે આ ઘટના સાંજે ૬.૩૦ વાગ્યે બની હતી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બે વિન્ડો પેન સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને ટૂંક સમયમાં બદલવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી છે. આરપીએફ તેમના પર નજર રાખી રહ્યું છે. આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
૧૯ જાન્યુઆરીએ સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને આ ટ્રેનને રાષ્ટ્રને સમપત કરવાના છે. આ ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ દરમિયાન તે વારંગલ, ખમ્મમ, વિજયવાડા અને રાજમુન્દ્રીમાં રોકાશે.
પશ્ર્ચિમ બંગાળમાં રવિવારે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં ટ્રેન પર પથ્થરમારાની આ ત્રીજી ઘટના હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બારોસાઈ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત C14 ડબ્બામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બારીઓના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને લાંબા સમય સુધી બોલપુર સ્ટેશન પર રોકવી પડી હતી. સદનસીબે આ પથ્થરમારામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.
આ પહેલા ૨ જાન્યુઆરીની રાત્રે માલદામાં વંદે ભારત પર પથ્થરમારો થયો હતો. કુમારગંજ રેલવે સ્ટેશન પાસે પથ્થરમારો થયો હતો. ૩ જાન્યુઆરીએ કિશનગંજમાં હાવડાથી નવી જલપાઈગુડી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ગુજરાતમાં વારંવાર વંદે ભારત ટ્રેન સાથે પશુઓ અથડાવાની ઘટનાઓ બની હતી. ભેંસ, ગાય, બળદ બાદ બે મહિના પહેલાં નવેમ્બર-૨૦૨૨માં આણંદ પાસે ટ્રેને એક મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલાનું મોત થયું હતું. અમદાવાદમાં ભેંસ સાથે આણંદમાં ગાય સાથે અને વલસાડમાં બળદ સાથે ટક્કર થયા બાદ આણંદમાં આ ઘટના બની હતી.