વડાપ્રધાન ખોટી બાંયધરીનો કોથળો લઈને ફરે છે’, સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ પર રાહુલ ગાંધીનો પ્રહાર

નવીદિલ્હી, લોક્સભાની ચૂંટણી શરૂ થવામાં હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી મુંબઈ સુધી ૬,૭૦૦ કિલોમીટરથી વધુની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને ૨૦ માર્ચે મુંબઈમાં પૂરી થશે. આ દરમિયાન તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. સોમવારે, કોંગ્રેસ નેતાએ ખાલી જગ્યાઓ ન ભરવા પર નિશાન સાધ્યું અને કહ્યું કે નરેન્દ્ર મોદીનો હેતુ રોજગાર આપવાનો નથી. ઈન્ડિયા બ્લોકે યુવાનો માટે નોકરીના બંધ દરવાજા ખોલવાનો સંકલ્પ કર્યો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું, દેશના યુવાનો, એક વાત ધ્યાન રાખો! નરેન્દ્ર મોદીનો હેતુ રોજગાર આપવાનો નથી. નવી જગ્યાઓ બનાવવાની વાત તો દૂર, તેઓ કેન્દ્ર સરકારની ખાલી પડેલી જગ્યાઓ પર પણ બેઠા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ પર વિચાર કરીએ તો ૭૮ વિભાગોમાં ૯ લાખ ૬૪ હજાર પદ ખાલી છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો આપણે માત્ર મહત્વપૂર્ણ વિભાગો પર નજર કરીએ તો રેલ્વેમાં ૨.૯૩ લાખ, ગૃહ મંત્રાલયમાં ૧.૪૩ લાખ અને સંરક્ષણ મંત્રાલયમાં ૨.૬૪ લાખ પદ ખાલી છે.

તેમણે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો અને કહ્યું કે શું કેન્દ્ર સરકાર પાસે જવાબ છે કે ૧૫ મોટા વિભાગોમાં ૩૦ ટકાથી વધુ જગ્યાઓ કેમ ખાલી છે? ’ખોટી બાંયધરીનો કોથળો’ લઈને ફરતા વડાપ્રધાનના પોતાના કાર્યાલયમાં શા માટે મોટી સંખ્યામાં અતિ મહત્વની જગ્યાઓ ખાલી છે?

રાહુલે કહ્યું, ’ભાજપ સરકાર જે કાયમી નોકરી આપવાને બોજ માને છે, તે કોન્ટ્રાક્ટ સિસ્ટમને સતત પ્રોત્સાહન આપી રહી છે, જ્યાં ન તો સુરક્ષા છે અને ન તો સન્માન છે. ખાલી પડેલી જગ્યાઓ એ દેશના યુવાનોનો અધિકાર છે અને અમે તેને ભરવા માટે એક નક્કર યોજના તૈયાર કરી છે. ઇન્ડિયાનો સંકલ્પ છે કે અમે યુવાનો માટે નોકરીના બંધ દરવાજા ખોલીશું. તેમણે કહ્યું કે બેરોજગારીના અંધકારને તોડીને યુવાનોનું ભાગ્ય ઉગવાનું છે.