વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાના પ્રવાસે, આસિયાન સમિટમાં ભાગ લેશે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન દેશો સાથે સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જવા રવાના થયા છેે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ૭ સપ્ટેમ્બરે આસિયાન સમિટ યોજાશે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર વડાપ્રધાન મોદી જકાર્તા ગયા છે મોદી ૨૦મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ૧૮મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા બુધવારે રાત્રે જકાર્તા જવા રવાના થયા છે.

આ મુલાકાતમાં તેઓ સાઉથ ઈસ્ટ એશિયાઈ રાષ્ટ્રોના સભ્ય દેશો સાથે વેપાર અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમિટ દરમિયાન આસિયાન દેશોમાં યુપીઆઇ લોન્ચ કરવાની જાહેરાત કરી શકે છે. આ વખતે ઈન્ડોનેશિયાએ આસિયાન સમિટ દરમિયાન એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેને ઈન્ડો પેસિફિક ફોરમ નામ આપવામાં આવ્યું છે. આ મંચ દ્વારા આસિયાન દેશો ઈન્ડો-પેસિફિકમાં તેમના લક્ષ્યો અંગે અભિપ્રાય આપશે. જેમાં ઈન્ડો-પેસિફિકમાં આસિયાન દેશોની કનેક્ટિવિટી વધારવા માટે ચર્ચા કરવામાં આવશે.

આસિયાન શિખર સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ૯ અને ૧૦ સપ્ટેમ્બરે દિલ્હીમાં જી-૨૦ સમિટ યોજાવા જઈ રહી છે. જેમાં અમેરિકા, યુકે, ફ્રાન્સ, બાંગ્લાદેશ, ચીન, જાપાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો જી-૨૦ સમિટમાં સામેલ થવા માટે ભારત આવી રહ્યા છે. તે જ સમયે, પીએમ મોદીના વહેલા પાછા ફરવા માટે, ઇન્ડોનેશિયાએ ૭ સપ્ટેમ્બરે જ આસિયાન અને પૂર્વ એશિયા સમિટની વ્યવસ્થા કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે જકાર્તામાં પ્રભાવશાળી ૧૦-રાષ્ટ્રોના આસિયાન જૂથના નેતાઓ સાથે શિખર મંત્રણા કરશે. આસિયાનના વર્તમાન અધ્યક્ષ તરીકે ઇન્ડોનેશિયા સમિટનું આયોજન કરી રહ્યું છે. આસિયાનને આ ક્ષેત્રના સૌથી પ્રભાવશાળી જૂથોમાંનું એક ગણવામાં આવે છે અને તેમાં ભારત, યુએસ, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના સંવાદ ભાગીદારો છે. જૂથના નેતાઓ સાથે પીએમ મોદીની વાતચીત મુખ્યત્વે આસિયાન સાથે ભારતના વેપાર અને સુરક્ષા સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે.

વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) સૌરભ કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સમિટમાં આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને તેમને આગળની દિશા આપશે. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન ૭ સપ્ટેમ્બરની મોડી સાંજે પરત ફરશે. આસિયાન સમિટ તરત જ જી ૨૦ સમિટ યોજાશે તે જોતાં તે ટૂંકી સફર હશે. આસિયાનના ૧૦ સભ્ય દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયાનો સમાવેશ થાય છે.