PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજ્યું:સોમનાથમાં પૂજા કરી હવે સાસણમાં રાત્રિ રોકાણ, આવતીકાલે સવારે સિંહ દર્શન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાના દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ તેઓ સાસણમાં પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું. PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજી ઉઠ્યું હતું. સાસણમાં મોદી રાત્રિ રોકાણ કરશે. તેમજ આવતીકાલે સવારે 6 વાગ્યે સિંહ દર્શન કરશે. ત્યારબાદ વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વલ્ડ વાઈલ્ડ કોન્ફેરન્સ યોજે તેવી શક્યતા છે. જે બાદ આવતીકાલે રાજકોટની પણ મુલાકાત લેશે, જ્યાંથી દિલ્હી જવા રવાના થશે.

સોમનાથ મંદિરના 1766 સુવર્ણ કળશનું દાતાઓ વતી PMએ પૂજન કર્યું હતું

સોમનાથ મહાદેવ મંદિરના શિખર પરના અંદાજે 1766 કળશને સુવર્ણ મંદિત કરવાની યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી. જે અંતર્ગત દાતાઓના સહકારથી સુવર્ણ કળશ નિર્માણ થઈ ચૂક્યા હતા અને મોટા ભાગના દાતાઓના હસ્તે સુવર્ણ કળશની પૂજા કરી મંદિર શિખર પર રોપિત કરી દેવાયા હતા. પરંતુ અનેક દાતાઓ સુવર્ણ કળશની પૂજા માટે પહોંચી શક્યા ન હતા. પૂજા વિધિ વિના કળશ મંદિત ન કરી શકાય, માટે બાકી રહેતા તમામ કળશના દાતાઓ વતી આજે PM નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી. જેથી સોમનાથ મહાદેવ મંદિરના 1766 કળશ સુવર્ણ મંદિત થઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાસણ ગીર ખાતે સ્વાગત કરાયું

સાસણ ગીર હેલીપેડ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, મુખ્ય સચિવ પંકજ જોશી, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસ.પી. ભગીરથસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું.