વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને ત્યાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ રવિવારે માલદીવના કેટલાક નેતાઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી અને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. પરંતુ આ પછી માલદીવ સરકારે આ નિવેદનોથી પોતાને દૂર કર્યા અને કહ્યું કે આ તેના અંગત વ્યક્તિગત વિચારો હોઈ શકે છે.
આ પછી માલદીવ સરકારે મંત્રીઓને સસ્પેન્ડ પણ કર્યા. બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સે પણ તે ટિપ્પણીની આલોચના કરી હતી. આ તમામ મુદ્દાઓ પર ટીવી 9 ભારતવર્ષે માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબ સાથે વાત કરી હતી જેમણે કહ્યું હતું કે પીએમ મોદી ગ્લોબલ લીડર છે અને માલદીવને તેમની જરૂર છે.
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબે કહ્યું કે અમારા મંત્રીઓએ જે કહ્યું તે ઘણું ખોટું છે, માલદીવની સરકારે તે બધાને સસ્પેન્ડ પણ કરી દીધા છે. ભારતમાં પણ માલદીવ વિરોધી ટ્વીટ થવા લાગ્યા છે, જેનાથી અમને મોટું નુકસાન થઈ શકે છે. ભારતથી અમારું ટુરિઝમ વધારે ચાલે છે, હું ટુરિઝમ મંત્રી પણ રહી ચુક્યો છું, તેથી મને ખબર છે કે ભારતનું અમારા માટે શું મહત્વ છે.
અહમદે આગળ કહ્યું કે આ તમામ મુદ્દાઓને વાતચીત કરીને ઉકેલવા જોઈએ. મેં મારી સરકારને પણ સલાહ આપી છે કે વાત કરીને આ મુદ્દો ઉકેલે, સસ્પેન્શન બાદ અન્ય મંત્રીઓ પણ સતર્ક રહેશે. દરેક વ્યક્તિએ ભારતનું સન્માન કરવું જોઈએ, પીએમ મોદી ગ્લોબલ લીડર છે. માલદીવે ભારતને સાથે લઈને ચાલવું જોઈએ. માલદીવની ઈકોનોમીને ભારતની જરૂર છે. તેથી આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી ભવિષ્યમાં આપણને તકલીફ થાય.