
અબુધાબી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર ફ્રાન્સથી યુએઈ પહોંચી ગયા છે. અબુધાબીમાં તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ ઝાયદ નાહયાન સાથે મુલાકાત કરી છે.પીએમ મોદીના સ્વાગતમાં બુર્જ ખલીફા પર તિરંગા અને તેમની તસવીર સાથે વેલકમ ઓનરેબલ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી લખવામાં આવ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની આ ૫મી મુલાકાત છે. ૨૦૧૯માં પીએમ મોદીને યુએઈ દ્વારા તેના સર્વોચ્ચ સન્માન ’ઓર્ડર ઓફ ઝાયદ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા થશે. ભારત અને યુએઈ લાંબા સમયથી ડૉલરના બદલે દિરહામ અને રૂપિયામાં કારોબાર કરવાના કરાર પર ચર્ચા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદીનો યુએઈ પ્રવાસ ઘણો મહત્વનો છે. રશિયા, સાઉદી અરેબિયા અને ઇરાક પછી ભારતનો ચોથો સૌથી મોટો તેલ સપ્લાયર છે.
યુએઈ એ આરબ દેશોમાંથી એક છે જે પાકિસ્તાનની નજીક છે. આ હકીક્ત પરથી પણ તેમની મિત્રતાનો અંદાજ લગાવી શકાય છે.યુએઈએ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના ભંડાર વધારવા માટે ૧ અબજ યુએસ ડોલરની મદદ કરી છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ યુએઈએ પાકિસ્તાનને લોન આપીને મદદ કરી છે. જો કે, પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવા છતાં,યુએઈ કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવાનું ટાળે છે. ૨૦૧૯ માં, જ્યારે ભારતે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી, ત્યારે યુએઈએ તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. જ્યારે પાકિસ્તાનને ભારતના આ પગલા પર આરબ દેશોની કડક પ્રતિક્રિયાની અપેક્ષા હતી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ, કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાન શહીદ થયા હતા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી. જેમાં ઘણા આતંકીઓને માર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ, ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરીને કલમ ૩૭૦ નાબૂદ કરી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરી. ૨૦૧૯માં બનેલી આ એવી ત્રણ ઘટનાઓ હતી, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. તે સમયે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ફરી લાગુ ન થાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય. અહીં ભારતે એમ પણ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાતચીતનો પ્રશ્ર્ન જ નથી.
માત્ર ૨ વર્ષ પછી, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ, ભારત અને પાકિસ્તાનની સરહદ પર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે ડીજીએમઓ સ્તરની વાતચીત બાદ આ સમજૂતી થઈ હોવાનું કહેવાય છે. તે સમયે બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈએ સીઝફાયર માટે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત રીતે વાતચીતનું આયોજન કર્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામના નિર્ણયનું સ્વાગત કરનાર યુ.એસ. પછી યુએઈ બીજો દેશ છે. આટલું જ નહીં, આ કરારની જાહેરાતના બીજા દિવસે એટલે કે ૨૬ ફેબ્રુઆરીએ યુએઈના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયદ અલ નાહયાન અચાનક દિલ્હીની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે નવેમ્બર ૨૦૨૦માં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની અબુધાબીની બે દિવસીય મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. આ પછી આ મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પણ તેમની સાથે મુલાકાત કરી હતી.યુએ ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. બંને દેશો વચ્ચે ૬ લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. જેમાં ભારતમાંથી ૨ લાખ કરોડ રૂપિયાનું ઈમ્પોર્ટ કર્યું છે.