ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વોર્સોમાં પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. મંત્રણા પહેલા મોદીનું ચાન્સેલરી ખાતે રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે પણ વાત કરશે. તમને જણાવી દઈએ કે ૪૫ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પહેલી મુલાકાત છે. વોર્સો પહોંચ્યા બાદ પીએમ મોદીએ બાળકો સાથે ઉત્સાહભેર મુલાકાત કરી હતી. બાળકોએ પીએમ મોદીને ફૂલોનો ગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદી બંને દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં બુધવારે પોલેન્ડ પહોંચ્યા હતા. પીએમ મોદીએ વોર્સોમાં ગુડ મહારાજા મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓ પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. આ પછી પીએમ મોદી પોલેન્ડના પીએમના આમંત્રણ પર લંચમાં હાજરી આપી
પોલેન્ડની મુલાકાતે મોદીની સાથે આવેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે પોલેન્ડના વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ અને ભારત-પેસિફિકની સ્થિતિ અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. જયશંકરે એસએએકસ પર પોસ્ટ કર્યું હતું કે પોલેન્ડના વિદેશ પ્રધાન સાથેની તેમની બેઠકમાં યુક્રેન સંઘર્ષ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીની મુલાકાત પોલેન્ડ સાથેના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે.
પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન યુક્રેનની પણ મુલાકાત લેશે. પીએમ મોદી હાલ પોલેન્ડના બે દિવસના પ્રવાસે છે. આ પછી ૨૩ ઓગસ્ટે પીએમ મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાત લેશે. વડાપ્રધાન પોલેન્ડથી કિવ સુધી ટ્રેનમાં મુસાફરી કરશે, જેમાં લગભગ ૧૦ કલાકનો સમય લાગશે. પરત ફરવાની મુસાફરી પણ લગભગ સમાન સમયગાળાની હશે. કિવની તેમની મુલાકાત મોસ્કોની તેમની હાઇ-પ્રોફાઇલ મુલાકાતના અઠવાડિયા પછી આવે છે, જેની યુએસ અને તેના કેટલાક પશ્ર્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.