
નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે દેશ રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને યાદ રાખશે. પીએમ મોદીએ ’એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું, ’વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ભારત આપણા દેશની સ્વતંત્રતા અને અખંડિતતા માટે તેમની બહાદુરી અને અતુટ સમર્પણને હંમેશા યાદ રાખશે. તેમનું યોગદાન આપણને આપણા દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રયત્નો કરવાની પ્રેરણા આપે છે. હિન્દુ મહાસભાના પ્રમુખ સાવરકરનું ૧૯૬૬માં અવસાન થયું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સાવરકરનું સંઘર્ષમય જીવન દરેક દેશભક્ત માટે મહાન પ્રેરણા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, મહાન ક્રાંતિકારી, ’સ્વાતંત્ર્યવીર’ વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ પર, જેમણે ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ આપી દીધું, અમે અમારી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! ’રાષ્ટ્રીય નાયક’ વીર સાવરકરનું સંઘર્ષમય જીવન દરેક દેશભક્ત માટે મહાન પ્રેરણા છે.