નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર શાળાની વિદ્યાર્થિનીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. બાળકીઓએ પીએમ મોદીને રાખડી બાંધી હતી. પ્રધાનમંત્રીએ પણ બાળકીઓને વ્હાલ કર્યો. તેમની સાથે ગ્રુપમાં ફોટો પડાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને આજે સવારે રક્ષાબંધનની શુભકામનાઓ આપી છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, મારા તમામ પરિવારજનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. બહેન અને ભાઈની વચ્ચે અટૂટ વિશ્વાસ અને અગાઢ પ્રેમને સમર્પિત રક્ષાબંધનના આ પાવન પર્વ, આપણી સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે. મારી કામના છે, આ પર્વ પર સૌના જીવનમાં સ્નેહ, સદ્ભાવ અને સૌહાર્દની ભાવના વધે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે બંને દિવસે મનાવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ આપી છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ ટ્વિટર પર લખ્યું છે કે, તમામ દેશવાસીઓને રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર ભાઈ-બહેનના અટૂટ પ્રેમનું પ્રતીક છે અને અત્યંત ઉત્સાહ સાથે મનાવામાં આવે છે. આવો આ શુભ અવસર પર આપણે દેશમાં મહિલાઓ માટે વધારે સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ બનાવવાનો સંકલ્પ લઈએ.