- મોદી ગાંધીજીને નમન કરીને હવનમાં બેઠા,નવી સંસદને સંબોધન કર્યું.
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા પછી સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. સેંગોલ સ્થાપન પછી, પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.સર્વધર્મ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ કેબિનેટ મંત્રીઓ અને અન્ય રાજ્યોના સીએમ સહિત ઘણા પ્રતિષ્ઠિત લોકો હાજર છે. આ સર્વધર્મ સભામાં બૌદ્ધો, જૈન, પારસી, શીખ સહિત અનેક ધર્મોના ધાર્મિક નેતાઓએ પ્રાર્થના કરી હતી.
મોદી સવારે ૭:૩૦ વાગ્યે સંસદ પહોંચ્યા અને પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા અને પછી પૂજામાં સામેલ થયા હતા. હવન-પૂજન અને સેંગોલની સ્થાપના બાદ વડાપ્રધાન મોદી ટ્વીટ કર્યું – આજનો દિવસ આપણા બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય દિવસ છે. સંસદનું નવું બિલ્ડીંગ આપણને સૌને ગર્વ અને આશાઓથી ભરી દેશે. ઉદઘાટન પહેલાં વડાપ્રધાને દરેકને સંસદ ભવનનાં વીડિયો માટે વૉઇસ ઓવર આપવા અપીલ કરી હતી. આ પછી શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અનુપમ ખેર જેવી હસ્તીઓએ આ વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો. જણાવી દઈએ કે ૨૦ વિપક્ષી પાર્ટીઓએ સંસદના ઉદઘાટનનો બહિષ્કાર કર્યો છે.
નવી સંસદમાં તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) લોક્સભાના અધ્યક્ષની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવ્યો છે અને તે ચાંદી અને સોનાનો બનેલો છે. સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ઓગસ્ટ ૧૯૪૭માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલો આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે સરકાર ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, નવા સંસદ ભવન ખાતે સંબોધન કરતા કહ્યું કે, ભારતની જવાબદારી બહુ મોટી છે. સફળતાની પહેલી શરત સફળ થવાનો વિશ્ર્વાસ છે. નેશન ફ્રસ્ટની ભાવનાથી આગળ વધવુ પડશે ૨૫ વર્ષ બાદ આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થશે. આ ૨૫ વર્ષમાં ભારતને વિક્સીત રાષ્ટ્ર બનાવવું છે. લક્ષ્ય મોટુ છે. કઠીન પણ છે. પણ દરેક દેશવાસીઓએ નવો સંકલ્પ કરવાનો છે.
વડાપ્રધાને સંબોધનમાં વધુ જણાવ્યું કે, ૩૦ હજાર નવા પંચાયત ભવન બન્યા છે. પંચાયતથી સંસદ સુધી અમારી નિષ્ઠા એક છે. દેશનો વિકાસ, દેશના લોકોનો વિકાસ રહ્યો છે. ૧૫ ઓગસ્ટે મે લાલકિલ્લા પરથી કહ્યું હતુ. આ સમય છે સાચો સમય છે. દરેક દેશમાં એક એવો સમય આવે છે કે નવી ચેતના પ્રગટે છે.વડાપ્રધાને કહ્યું કે આપણું બંધારણ જ આપણો સંકલ્પ છે, આ સંસદ દેશનુ પ્રતિનિધિત્વ કરે છે. જે રોકાઈ જાય છે તેનુ ભાગ્ય પણ રોકાઈ જાય છે. જે ચાલતો જાય છે તેનુ ભાગ્ય પણ ચાલતુ રહે છે. ગુલામી બાદ બહુ બધુ ગુમાવીને આપણે યાત્રા શરુ કરી હતી. અનેક ઉતાર ચડાવ બાદ, ક્સોટી બાદ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ. ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર કાર્યસ્થળને પણ નવુ અને આધુનિક હોવુ જોઈએ. દુનિયાના સૌથી સમૃદ્ધ અને વૈભવશાળી રાષ્ટ્રોમાં ભારતની ગણના થાય છે. મંદિર, વાસ્તુ વગેરે દેશની વિશેષજ્ઞા છે. સેંકડો વર્ષની ગુલામીએ આપણું ગૌરવ છીનવી લીધુ હતુ. ભારત આજે ગુલામીની વિચારણસરણીને પાછળ છોડી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, સંસદની નવી ઈમારત આપણા પ્રયાસનું જીવંત ઉદાહરણ બન્યુ છે. નવી સંસદ દરેક ભારતીયના ગર્વની વાત છે. લોક્સભાનો આંતરીક ભાગ મોર આધારિત છે. રાજ્યસભાનો આંતરીક ભાગ કમળ આધારિત છે. સંસદનું પ્રાગણમાં વડ પણ છે.
ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા ૬૪,૫૦૦ ચોરસ મીટર છે. નવી સંસદમાં લોક્સભામાં ૮૮૮ અને રાજ્યસભામાં ૩૮૪ સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોક્સભા સભાખંડમાં ૧,૨૭૨ સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત ૯૬ વર્ષ જૂની છે. જેનું બાંધકામ ૧૯૨૭માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી પોલીસે પહેલેથી જ એક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી જિલ્લાને ઉદ્ધાટનના સમયગાળા માટે કન્ટેનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નવી સંસદ ભવન ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં સ્થિત છે. પોલીસે કહ્યું કે વધારાના સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.