
નવીદિલ્હી, વડા પ્રધાને મંગળવારે ૧૫ ઑગસ્ટ નિમિત્તે પ્રવચનમાં ભ્રષ્ટાચાર સામે લડવાની આજીવન કટિબદ્ધતા જાહેર કરતાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્ર્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન ધરાવતું હશે. વડાપ્રધાને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સસ્તા વ્યાજે હોમ લોન અને સુથારકામ તથા કેશર્ક્તનના કારીગરો માટે વિશ્ર્વકર્મા કૌશલ સમ્માન યોજનાઓ જાહેર કરી હતી. તેનો વિગતવાર સત્તાવાર આરંભ આગામી સમયમાં કરવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નાબૂદી, સગાંવાદ અને ખુશામતનું રાજકારણ ખતમ કરીને દેશને વિકસિત રાષ્ટ્ર તરીકે દુનિયાના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સ્થાન અપાવીશું. સતત દસમા સ્વાતંત્ર્ય દિને ૯૦ મિનિટના પ્રવચનમાં દેશની લોકશાહીમાંથી પરિવારવાદ હટાવવાની બાંયધરી પણ ઉચ્ચારી હતી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ’નૂતન ભારત’ આત્મવિશ્ર્વાસના તેજથી ઝગમગે છે. નવું ભારત સંકલ્પો પૂર્ણ કરવાના કાર્યમાં સમપત છે. મારા પરિવર્તનના વચનને માન આપીને મારા પરિવારજનોએ મને વર્ષ ૨૦૧૪માં ચૂંટીને વડા પ્રધાન બનાવ્યો અને વર્ષ ૨૦૧૯માં પણ ચૂંટી મોકલ્યો હતો. એ બાબત દર્શાવે છે કે મારા વચન પર તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. મેં સુધારા લાવવા, નક્કર કામગીરી બજાવવા અને પરિવર્તન (રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ) પર ભાર મૂક્યો હોવાથી વચન પર વિશ્ર્વાસ સ્થપાયો છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી ૧૫ ઑગસ્ટે હું લાલ કિલ્લા પરથી વધુ આત્મવિશ્ર્વાસથી દેશની સિદ્ધિઓ, તમારી ક્ષમતાઓની સફળતા અને આપના સંકલ્પો પરિપૂર્ણ કરવાની દિશામાં પ્રગતિની વાતો કરીશું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે હું દેશની એક્તા વિશે વાત કરૂં તો મણિપુરમાં કોઈ ઘટના બને તો તેની પીડા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આસામની નદીઓમાં પૂર આવે તો કેરળના રહેવાસીઓમાં અસ્વસ્થતા જોવા મળે. દેશના કોઈપણ ભાગમાં કંઈ પણ બને તો સમગ્ર રાષ્ટ્રને દુ:ખ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફુગાવો ડામવા માટે વધુ પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુથારકામ, કેશર્ક્તન(વાળંદ) તથા એ પ્રકારના અન્ય પરંપરાગત વ્યવસાય કરતા લોકો માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની વિશ્ર્વકર્મા યોજના વિશ્ર્વકર્મા જયંતી (૧૭ સપ્ટેમ્બરે) જાહેર કરવામાં આવશે. સરકાર જનૌષધિ કેન્દ્રોની સંખ્યા ૧૦,૦૦૦થી વધારીને ૨૫,૦૦૦ પર પહોંચાડશે. ગરીબોને આવાસ માટેની યોજના અને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ ધરાવતી ફેરિયાઓ માટેની પીએમ સ્વનિધિ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભ ૧૩.૫ કરોડ લોકોને પ્રાપ્ત થયા છે.