પીએમ મોદીએ બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન હાજર

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારે ફ્રાન્સમાં પીએમ મોદીએ બેસ્ટિલ ડે પરેડમાં ખાસ હાજરી આપી હતી. આ પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ફ્રાન્સની ફર્સ્ટ લેડી લેડી બ્રિજિટ મેક્રોન પણ પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છેકે પીએમ મોદીને મુખ્ય અતિથિ તરીકે પરેડમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છેકે ફ્રાંન્સમાં બેસ્ટિલ ડે પરેડનું આયોજન પેરિસના ચેમ્પ્સ-એલિસીસમાં આયોજિત કરવામાં આવે છે. પીએમ મોદી ભારતના બીજા એવા નેતા બન્યા છે કે જેઓએ ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં ઉપસ્થિત રહ્યા હોય.

પેરિસમાં બેસ્ટિલ ડે પરેડ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજ ને પ્રદર્શિત કરતી વખતે ભારતીય ત્રિ-સેવાઓની ટુકડીએ ફ્લાય પાસ્ટ પણ કર્યું હતું. પંજાબ રેજિમેન્ટની આગેવાની હેઠળ ભારતીય સેનાની ત્રિ-સેવા ટુકડી ફ્રાન્સમાં છે. ભારતીય સૈનિકો પણ અહીં અગાઉ પ્રેક્ટિસ કરી હતી. પંજાબ રેજિમેન્ટની લોંગેવાલા ૨૩મી બટાલિયનના કેપ્ટન અમન જગતાપ પરેડમાં ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું છે. પરેડ પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ ખૂબ જ ગર્વની અને ઐતિહાસિક બાબત છે. પંજાબ રેજિમેન્ટે આ પહેલા માત્ર ૧૦૭ વર્ષ પહેલા પેરિસમાં પરેડ કરી હતી. તેથી જ તે વધુ વિશેષ બની જાય છે, એમ તેમણે ઉમેર્યું. ફ્રાન્સની આ બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય વાયુસેનાના રાફેલે પણ ભાગ લીધો હતો. અહીં વાયુસેનાના રાફેલે પેરિસના ચેમ્પ્સ-એલિસીસમાં પણ ફ્લાય પાસ્ટ કર્યું હતું.

ફ્રાન્સ વારંવાર તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને બેસ્ટિલ ડે પરેડ માટે આમંત્રિત કરે છે. આ વખતે ભારતને બોલાવવા પાછળના મોટા કારણો છે. ભારત અને ફ્રાન્સ આબોહવા પરિવર્તન, લશ્કરી વેચાણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારો છે. ફ્રાન્સ ભારત સાથે તેના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. જોકે, યુરોપીયન સંસદસભ્યોએ માનવ અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. અધિકાર જૂથો અને અન્ય લોકોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, પરંતુ મુખ્ય ચર્ચાનો મુદ્દો સંરક્ષણ સોદો રહ્યો છે.