વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનો ટ્વિટર પર આભાર માન્યો

નવીદિલ્હી, અમેરિકન પ્રવાસ દરમિયાન ત્યાં કોંગ્રેસને સંબોધિત કરવાના આમંત્રણ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આભાર માન્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં સ્પીકર કેવિન મેકકાર્થીને ટેગ કરીને આભાર સંદેશ લખ્યો છે. મેકકાર્થી સિવાય પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં મેક કોનેલ, સેન શૂમર અને જેફ્રીઝને ટેગ કર્યા છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું છે કે તેઓ આ આમંત્રણ સ્વીકારીને સન્માનિત અનુભવી રહ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ફરી એકવાર કોંગ્રેસને સંબોધવા માટે ખૂબ ઉત્સુક છે. વાસ્તવમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે જ્યાં તેઓ ૨૨મી જૂને અમેરિકી સંસદ એટલે કે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે ભારતને અમેરિકા સાથેની તેની વ્યાપક વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર ગર્વ છે. આ ભાગીદારી વહેંચાયેલ લોક્તાંત્રિક મૂલ્યો, લોકો વચ્ચેના સંબંધો અને વૈશ્ર્વિક શાંતિ માટે અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલી છે.

બીજી તરફ, અમેરિકી સંસદ વતી કહેવામાં આવ્યું છે કે ૨૨ જૂને અમેરિકી સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવું એ અમેરિકી પ્રતિનિધિ સભા અને અમેરિકી સેનેટના નેતૃત્વ માટે સન્માનની વાત છે. તેમણે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાત કહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સાત વર્ષ પહેલા યુએસ સંસદની સંયુક્ત બેઠકમાં પીએમ મોદીના ઐતિહાસિક સંબોધનની કાયમી અસર રહી હતી, જેનાથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બન્યા હતા.

આપને જણાવી દઈએ કે આવું બીજી વખત થવા જઈ રહ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ સંસદમાં સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ પહેલા તેમણે ૨૦૧૬માં અહીં ભાષણ આપ્યું હતું. સાત વર્ષ પહેલા નરેન્દ્ર મોદી યુએસ કોંગ્રેસમાં બોલનાર પાંચમા વડાપ્રધાન બન્યા હતા. આ પહેલા ૨૦૦૫માં ડો.મનમોહન સિંહ, ૨૦૦૦માં અટલ બિહારી વાજપેયી, ૧૯૯૪માં પીવી નરસિમ્હા રાવ અને તે પહેલા ૧૯૮૫માં રાજીવ ગાંધીએ યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.