પીએમ મોદી બોલે તો સાચુ, રાહુલ કહેતો ખોટુ,અમે વિક્રમ વૈતાલ બનીગયા:ખડગે

નવીદિલ્હી,

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતા પીયૂષ ગોયલના રાહુલ ગાંધી અંગેના નિવેદન પર પલટવાર કર્યો.ખડગેએ કહ્યું કે, કોલેજમાં લોકશાહીની વાત કરવા બદલ અમને દેશદ્રોહી કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશમાં નિવેદનોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ખડગેએ કહ્યું કે જો પીએમ પોતે વિદેશમાં આવી વાત કહે છે તો તે યોગ્ય છે અને જો રાહુલ ગાંધી કહે છે તો તે ખોટું છે. ઉલટું ચોર કોટવાલને દંડે એવી વાત છે.કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પીયૂષ ગોયલે રાહુલ ગાંધીનું ભાષણ પોતાની રીતે રજૂ કર્યું. તેઓ આ દેશની લોકશાહીને કચડી રહ્યા છે. લોકશાહીનું સ્થાન ભાજપના શાસનમાં નથી. દરેક સ્વાયત્ત સંસ્થાનો દુરુપયોગ.

કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના ભાષણ વિશે વાત કરતા ખડગેએ કહ્યું – જો આપણે કૉલેજમાં લોકશાહીની વાત કરીએ તો અમને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવે છે. કોરિયામાં મોદીજીએ આ દેશમાં ૭૦ વર્ષમાં જે કંઈ થયું, જે ઉદ્યોગપતિઓ વધ્યા, જે રોકાણ થયું તેની નિંદા કરી. કેનેડામાં કહ્યું કે જે ગંદકી ફેલાવવામાં આવી છે તે હું સાફ કરી રહ્યો છું.ખડગેએ વધુમાં કહ્યું કે, જો વડાપ્રધાન પોતે વિદેશમાં આવી વાત કહે તો તે યોગ્ય છે અને જો રાહુલ ગાંધી કહે છે તો તે ખોટું છે.

તેમને ગૃહની અંદર બોલવા ન દેવાનો આરોપ લગાવતા ખડગેએ કહ્યું, ’અમે અદાણીના મુદ્દે જેપીસીની સ્થાપનાની માંગ કરી રહ્યા છીએ. મને ૨ મિનિટ પણ બોલવા દેવામાં આવ્યા ન હતા. પિયુષ ગોયલને બોલવા માટે ૧૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. અમારું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું અને હોબાળો મચ્યો હતો. ક્યારેક લાગે છે કે અમને વિક્રમ વૈતાલ જેવા બનાવી દીધા છે. જો કે અમે પણ સરળતાથી આ રીતે પીછો છોડવાના નથી.