વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યર્ક્તાઓના સંમેલનમાં ભાગ લેવા માટે ૪ મેના રોજ કર્ણાટકના ઉડુપીની મુલાકાત લે તેવી શક્યતા

નવીદિલ્હી,કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ભાજપમાં અસંતોષે માઝા મૂકી છે અને એક પછી એક ટોચના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે ત્યારે આ ચૂંટણીરૂપી વૈતરણી જીતવા માટે ભાજપ માટે હવે પીએમ મોદી જ એકમાત્ર ટ્રમ્પ કાર્ડ છે. તેમની સાથે યેદિયુરપ્પા હશે. તેથી આગામી સમયમાં ભાજપ ચૂંટણીમાં પીએમ મોદીની સભાઓનું કાર્પેટ બોમ્બિંગ કરશે તો પણ નવાઈ નહી લાગે.

આમ પણ વિકાસ કાર્યક્રમોને લઈને પીએમ મોદીએ જબરજસ્ત લોકપ્રિયતા મેળવી છે.તેની સાથે જ્ઞાતિગત સમીકરણોને યોગ્ય રીતે બેસાડીની તેની જોડે યુવાનોને વધુને વધુ ટિકિટ આપીને ભાજપ તેની ચૂંટણી મશીનરીને ચેતનવંતી રાખવા માંગે છે. તેમા પીએમ મોદીની સાથે યોગી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યોગી હવે ફક્ત ઉત્તરપ્રદેશના જ આગેવાન છે તેવું નથી. તેમની લોકપ્રિયતા રાજ્યના સીમાડાઓની બહાર પણ વિસ્તરી છે. કર્ણાટક જેવા રાજ્યમાં પણ કટ્ટર હિંદુ મતદારો ફાયરબ્રાન્ડ યોગીને પસંદ કરે છે.

વડા પ્રધાનની કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લા ઉડુપીની મુલાકાત ચૂંટણી પહેલા મહત્ત્વપૂર્ણ છે. ઉડુપી ચિકમાગલુરુ લોક્સભા બેઠકમાં આઠ વિધાનસભા બેઠકો છે, ઉડુપીમાં ચાર અને ચિકમાગલુરુમાં પાંચ બેઠકો છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠકો જીતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ઓછામાં ઓછી ૧૫-૨૦ રેલીઓને સંબોધિત કરે તેવી અપેક્ષા છે. ભાજપના એક નેતાએ કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે મોદી ૧૦ મેના મતદાન પહેલા કર્ણાટકમાં ૧૫-૨૦ રેલીઓ કરશે.” દરિયાકાંઠાના જિલ્લામાં હિંદુ વોટ બેંકને મજબૂત કરવા માટે ભાજપ યોગી આદિત્યનાથ પર આધાર રાખે છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્યનાથે દક્ષિણના રાજ્યમાં પ્રચાર કર્યો હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં બીજેપીને સતત બીજી જીત તરફ દોરી ગયા પછી, તેઓ રાજ્યની ચૂંટણીઓમાં ભગવા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. કર્ણાટકમાં ૧૦ મેના રોજ એક જ તબક્કાની ચૂંટણી છે. મતગણતરી ૧૩ મેના રોજ થશે.