ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડાએ તોફાન મચાવ્યું છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં 13 લોકોના મોત થયા છે. તો અનેક જગ્યાએ નુકસાનના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વીજ પોલ, વૃક્ષો, કાચા મકાનો ધરાશાયી થયા છે. તો ખેડૂતોને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ એટલે કે બુધવારે ગુજરાતના પ્રવાસે આવશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.
આ છે પીએમ મોદીનો કાર્યક્રમ
રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી આવવાના છે. પ્રધાનમંત્રી દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી મેળવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચવાના છે. ત્યારબાદ તેઓ ઉના, જાફરાબાદ, મહુવા સહિતના વિસ્તારો અને દીવનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદમાં એક રિવ્યૂ બેઠક કરશે. પ્રધાનમંત્રીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાઈ શકે છે.
રાજ્યમાં 13 લોકોના મૃત્યુ
રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. તો અનેક જગ્યાએ વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. લાઇટોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે.
રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ
રાજ્યમાં અનેક જગ્યાએ લાઇટના થાંભલા પણ તૂટી ગયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તે તમાં થાંભલા બદલવામાં આવશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 425 કોવિડ હોસ્પિટલમાંથી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી છે. જેમાંથી 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે. રાજ્યમાં 674 રસ્તાઓ બંધ થયા હતા તેમાંથી 562 શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય રસ્તા ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉમરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટે કામગીરી કરશે.
સહાય પર બોલ્યા સીએમ
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસાનવ થયું છે. ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવસે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે.