
લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 2 માર્ચના રોજ સાસણ અને 3 માર્ચના રોજ સોમનાથ જશે. સાસણમાં સિંહદર્શન બાદ સોમનાથમાં મહાદેવના દર્શન કરશે. આ ઉપરાંત સોમનાથમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
2 માર્ચે સાસણ ગીરમાં રાત્રીરોકાણ કરશે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમવખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે.. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ પણ કરશે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી. જોકે, આ પ્રોજેક્ટ હજુ સુધી અમલમાં આવી શક્યો નથી.

PMના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં વડાપ્રધાનના આગમનને લઈને સાસણમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગના તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ઉપરાંત વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે.
3 માર્ચે વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન કરશે 3 માર્ચે સવારે સિંહદર્શન બાદ વડાપ્રધાન સોમનાથ જશે, જ્યાં મહાદેવના દર્શન કરશે. આ ઉપરાંત સોમનાથમાં વિકાસ પ્રોજેક્ટ્સ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સાથે જ વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે.

આ ઉપરાંત 7 માર્ચના શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવશે. જેમાં તેઓ સુરતના લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓનું સન્માન કરાશે. આ સાથે જ એનએફએસએ (National Food Security Act) હેઠળ નવા લાભાર્થીઓને સામેલ કરવાની યોજના ઘડવામાં આવી છે.
શુક્રવારે સાંજે સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સુરતના સર્કિટહાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે. જો તેઓ અહીં રોકાણ કરે છે, તો વિધાનસભા ચૂંટણી બાદ સુરતમાં તેમની આ બીજી રાત્રિ રોકાણની મુલાકાત થશે. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમણે સુરતમાં રોડ શો કર્યા બાદ સર્કિટહાઉસમાં રોકાણ કર્યું હતું. આ વખતે પણ રાત્રિ રોકાણ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે.

વડાપ્રધાન મોદી 8 માર્ચ, શનિવારે નવસારીમાં યોજાનારા વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરશે. નવસારીના આ કાર્યક્રમ માટે પણ તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં મગ્ન સુરત અને નવસારીના આ મહત્ત્વના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સક્રિય રીતે તૈયારીઓમાં લાગી ગયું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વડાપ્રધાનની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાત માટે રાજકીય અને સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ ગણાય છે.