નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છઠ્ઠે નોરતે દિલ્હીમાં બેઠાં બેઠાં વિડિયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળમાં રહેલા દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજકીય નિરીક્ષકો તેમના આ પગલાને પોલિટિકલ માસ્ટર સ્ટ્રોક માને છે.
2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. અત્યાર પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેટલાક હિન્દુ ઉત્સવો પર્વો પર છૂટ આપી નહોતી. પરંતુ બંગાળમાં દુર્ગા પૂજાનો અનેરો મહિમા છે . બીજી બાજુ આવતા વરસે અહીં વિધાનસભાની ચૂંટણી છે એટલે મમતાએ દુર્ગા પૂજામાં ધાર્યા કરતાં ઘણી છૂટ આપી હતી.
બીજી બાજુ વડા પ્રધાને આ તક ઝડપી લઇને બંગાળી પ્રજાની લાગણી જીતવા માટે વર્ચ્યુઅલ હાજરી આપવાનું પસંદ કર્યું હતું. આ સાથે વડા પ્રધાને ચૂ્ંટણી પ્રચારનો આડકતરો આરંભ કરી દીધો હતો. ગયા વરસે દુર્ગા પૂજાના મુદ્દે જ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વચ્ચે ખેંચતાણ થઇ હતી. આ વખતે શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દુર્ગાપૂજાના મુદ્દે રસાકસી સર્જાઇ હતી. ચૂંટણી પહેલાંના વરસે દુર્ગા પૂજાના મુદ્દે બંને પોલિટિકલ પાર્ટી શક્તિપ્રદર્શન કરી રહી હતી. મમતા બેનરજીએ પોતે એક પંડાલમાં જઇને માતાજીની પૂજા કરી હતી. તો વડા પ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું.
પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઇ રાજકીય પક્ષ દુર્ગા પૂજાનું આયોજન કરી રહ્યો હતો. સોલ્ટલેક ખાતે ભાજપના દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન વડા પ્રધાને કર્યું ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે ભાજપના મહિલા સશક્તિકરણનો મુદ્દો ઊઠાવ્યો હતો અને મુસ્લિમ સમાજમાંથી ત્રણ તલાકની પરંપરાને કેન્દ્ર સરકારે રદ કરી હતી એ મુદ્દાને ભારપૂર્વક રજૂ કર્યો હતો. સ્થાનિક પ્રજાની લાગણી જીતવા તેમણે એમ પણ કહ્યું હતું કે હું અત્યારે દિલ્હીમાં છું પરંતુ બંગાળમાં તમારા સૌની સાથે હોઉઁ એવી લાગણી અનુભવી રહ્યો છું. દુર્ગા પૂજાથી માણસને અનેરી શક્તિ મળે છે એમ પણ તેમણે કહ્યું હતું.
પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં વડા પ્રધાનના કાર્યક્રમનું સીધું પ્રસારણ થાય એવી વ્યવસ્થા પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.