વડાપ્રધાન મોદી ૧૭ એપ્રિલે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર તમિલ સંગમનો શુભારંભ કરશે

અમદાવાદ,લોક્સભા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ આગામી એક્શન પ્લાન બનાવવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન ભાજપે પણ ચૂંટણીને લઈને ગતિવિધિઓ તેજ કરી દીધી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન ફરી ગુજરાતની મુલાકાતે આવશે. ૧૭ એપ્રિલે ગુજરાતના સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચશે.

વર્ષ ૨૦૦૬માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગમનું બીજ રોપ્યું હતું. ૨૦૦૬માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં તમિલનાડુના એક પ્રતિનિધિમંડળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. મદુરાઈમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં વસેલા ગુજરાતીઓને કારણે તમિલ અને ગુજરાતી સંસ્કૃતિઓ દૂધમાં સાકરની જેમ એકબીજાના પૂરક બની ગયા છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ૧૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી સૌરાષ્ટ્રમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમિલ સંગમની શરૂઆત કરશે.

સોમનાથ એ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિલગોમાંથી એક અહીં સોમનાથમાં આવેલું છે. ૠગ્વેદમાં પણ સોમનાથનો ઉલ્લેખ છે. સોમનાથનું આ મંદિર અનેક વિનાશકારી વિદેશી આક્રમણખોરોની સામે મક્કમતાથી ઊભું છે જેઓ મંદિરની રોશની લૂંટવાના ઈરાદા સાથે આવ્યા હતા. જ્યારે પણ મંદિરને નષ્ટ કરવાના પ્રયાસો થયા છે ત્યારે તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું છે.

ખાસ કરીને જ્યારે પીએમના આગમનની વાત આવે છે ત્યારે પહેલાથી નક્કી કરેલા રૂટ પર નાગરિકોની ભીડ જોવા મળે છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની ધરતી પર પહોંચશે. જ્યાં ભવ્ય રોડ શો થઈ શકે છે. તે માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સૌરાષ્ટ્રની ધરતી પર ફરી એકવાર મોદી..મોદી..નો ગુંજ સંભળાય તો નવાઈ નહીં.