પીએમ મોદી કેબિનેટમાંથી કેટલાક મંત્રીઓને હટાવે અને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપે તેવી સંભાવના.

  • મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ 
  • ટૂંક સમયમાં મંત્રીઓની યાદી થઈ શકે છે જાહેર
  • સૌથી વધારે મહારાષ્ટ્રને લઈને કરવામાં આવી રહી છે ચર્ચા 

મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન બાદ રાજકીય ઉથલપાથલ ચાલુ છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બળવાખોર અજિત પવાર સહિત 9 ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટિલે ધારાસભ્યોની હકાલપટ્ટી કરી હતી અને કહ્યું હતું કે જો તેઓ પાર્ટીના ચૂંટણી ચિન્હોનો ઉપયોગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે ફરી મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે મંત્રીઓની યાદી પણ જાહેર થઈ શકે છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણા નવા નામોની એન્ટ્રી મંત્રીમંડળમાં થઈ શકે છે. અગાઉ વર્ષ 2021માં મોદી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો, જ્યારે 43 મંત્રીઓએ શપથ લીધા હતા. 

અટકળોનો દોર થઈ ગયો શરૂ
નવા ફેરબદલમાં કોની એન્ટ્રી થશે અને કોને આઉટ કરાશે, તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. સૌથી વધારે ચર્ચા મહારાષ્ટ્રને લઈને કરવામાં આવી રહી છે, જ્યાં તાજેતરમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. મોદી કેબિનેટમાં થનારા ફેરફારો પર પણ તેની અસર જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. 

દેવેન્દ્ર ફડણવીસને બનાવી શકાય છે મંત્રી
મહારાષ્ટ્રમાં એક વર્ષ પહેલા જ્યારે એકનાથ શિંદની સાથે મળીને ભાજપે સરકાર બનાવી ત્યારે પાર્ટીની સૂચનાથી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારવા રાજી થઈ  ગયા હતા. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે તેમણે બલિદાન આપ્યું છે, પરંતુ હવે લાગે છે તેમને ઈનામ મળવાનો સમય આવી ગયો છે. ફડણવીસના દિલ્હી જવાની અટકળો ચાલી રહી છે. તેમને મોદી સરકારમાં મંત્રી બનાવી શકાય છે. 

દેવેન્દ્ર ફડણવીસ (નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)

શિંદે જૂથમાં કોને મળશે તક?
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર બન્યાને એક વર્ષ થઈ ગયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં નવી સરકાર હન્યા બાદથી એવી અટકળો ચાલી રહી હતી કે શિવસેનાને મોદી કેબિનેટમાં એન્ટ્રી મળી શકે છે. હવે માહિતી સામે આવી છે કે શિંદે જૂથના પ્રતાપ રાવ જાધવને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. આ સાથે જ ભાવના ગવળીનું નામ પણ ચર્ચામાં છે. તેમને મોદી કેબિનેટમાં સ્થાન પણ મળી શકે છે.

અજિત પવાર જૂથમાંથી કોને મળશે તક?
મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાજકીય ઉથલપાથલ થઈ છે. NCP નેતા અજિત પવાર કાકા શરદ પવાર સામે બળવો કરીને શિંદે સરકારમાં જોડાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારને ખાતરી આપવામાં આવી છે કે એનસીપીને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે. અજિત પવારના જૂથમાંથી પ્રફુલ પટેલને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. પ્રફુલ પટેલ હાલમાં રાજ્યસભામાંથી સાંસદ છે. આ પહેલા તેઓ યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા છે. જૂન મહિનામાં જ પ્રફુલ પટેલને શરદ પવારે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા, પરંતુ અજિત પવાર સાથે જવાના કારણે એક દિવસ પહેલા જ 3 જુલાઈએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.