ખેડા જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ (પી.એમ.કિસાન) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં રૂ.6000ની સહાય તેમના ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (ડી.બી.ટી. બેંક ખાતાના માધ્યમથી ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સુચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પી.એમ.કિસાન ખાતામાં ત્રણ વિગતો અપડેટ કરવી જરૂરી છે. જેમાં લેન્ડ સીડિંગ એટલેકે જમીનની વિગતો અપડેટ કરાવવી, બેંક ખાતા સાથે આધાર સિડિંગ તથા ડી.બી.ટી. ઇનેબલ કરાવવું અને ઇ-કે.વાય.સી. કરાવવું.
જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય બંધ થઇ ગઈ હોય તેમણે આ ત્રણ વિગતો અપડેટેડ છે કે નહિ તે ચેક કરવાનું રહે છે. જેથી લાભ મેળવતા ખેડૂતે પી.એમ.કિસાન. વેબ સાઈટ પર આ વિગતો ચેક કરી લેવાની રહે છે અથવા આ માટે ગ્રામ પંચાયતના વી.સી.ઈ. મારફત અથવા ગ્રામ સેવકની સહાય મેળવી તેમના મારફત આ વિગતો ચેક કરાવી શકાય છે. જો ઉપરોક્ત ત્રણ વિગતોની સામે (1) LAND SEEDING – NO(જમીનની વિગતો) બતાવે તો અપડેટ કરવા માટે આપની તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો. (2) બેંક સાથે આધાર સિડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોય તે બેંકનો સંપર્ક કરવો તથા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ)નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે.(3) ઇ-કે.વાય.સી. કરાવવા માટે જે તે ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામના આવી.સી.ઈ.નો સંપર્ક કરીને આ વિગતો અપડેટ કરી શકશે. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને આધાર લીંક મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. આ અંગેની વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધીકારે (ખેતી)નો અથવા ગ્રામ્યકક્ષાએ સંબધિત ગ્રામ પંચાયત કચેરીના વી.સી.ઈ અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવા આથી જાહેર જનતાને જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.