મહીસાગર,સામાન્ય રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની માલિકીનું એક પાકુ મકાન હોય. દેશના દરેક કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્નને પૂર્ણ કરવા ભારત સરકાર દ્વાર ટકાઉ અને સારા આવાસને પ્રોત્સાહન આપવા માટેનીપ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.20-11-2016થી અમલમાં મુકવામાં આવી. આ યોજના અંતર્ગત, સરકાર ગ્રામીણ વિસ્તારનાં આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા અને જૂના મકાનની મરામત માટે રૂ. 1.20 લાખ કરતા વધારેની આર્થિક સહાય પૂરી પાડે છે. નળિયાની છત અને માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આ યોજના રહેઠાણની સુવિધાનું ચિત્ર બદલી રહી છે. મહીસાગર જીલ્લાનાં સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને આ યોજના અંતર્ગત પોતાના મકાનને પાકુ બનાવવા માટે આર્થિક સહાય મળી છે.
મકાન ન હોય કે મકાન પાકુ કરવાની જરૂર હોય, અને આર્થિક કારણોસર પનો ટૂંકો પડતો હોય તેવા સંખ્યાબંધ લાભાર્થીઓ માટે આ યોજના આર્શીવાદરૂપ બની છે. આ યોજનાના લાભાર્થી લુણાવાડા તાલુકાનાં ચારણગામમાં રહેતા વણકર જગાભાઈ જણાવે છે કે, ખેતી કામ કરીને અમે અમારાપરિવારના છ સભ્યોનું ગુજરાન ચલાવીએ છીએ અમારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે અમે પૈસા ભેગા કરી પાકું મકાન બનાવી શકીએ. જેથી કાચા ઝુંપડામાં તાલપત્રી નાખી રહેવું પડતુ, તે સમયે અમને ખૂબ જ તકલીફો પડતી, ચોમાસાના સમયે આજુબાજુ પાણી ભરાવાથી ગંદકી થતી અને જેના કારણે અમારા પરિવારને ક્યારેક માંદગીનો સામનોપણ કરવો પડતો. પવન કે વાવાઝોડા જેવી કુદરતી આફત વખતે ઘર ઉપર ઢાંકેલ તાલપત્રી પણ ઉડી જતી. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં અમારો સમાવેશ થયો અને સરકાર દ્વારા રૂપિયા 1 લાખ 20 હજારની સહાય મળવાથી અમે આજે પોતીકું કહી શકાય એવું પાકું આવાસ બનાવી તેમાં પરિવાર સાથે કોઈ પણ પ્રકારની કુદરતી આફત કે મોસમની ચિંતા કર્યા વગર રહી શકીએ છીએ.
જો અમને સરકારની સહાય ના મળી હોત તો આજે પણ કદાચ અમે એ જ ઝુપડામાં રહેવા મજબુર હોત તેમ જણાવતા જગાભાઈએ ઉમેર્યું કે, સરકારે અમારા જેવા ખેતી કરતા પરિવારોની ચિંતા કરીને અમને આ પાકા આવાસની સગવડ પુરી પાડી તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.