- ગોધરા,શહેરા,હાલોલ,કાલોલ અને મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમ તેમજ ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
- જીલ્લાના મહિલા સ્વસહાય જૂથોને રૂ.234.73 લાખની સહાયનું વિતરણ
ગોધરા,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું.પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યઓ,મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા તથા ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી કરાઈ હતી.
સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય વિતરણ સાથે પંચમહાલ જીલ્લામાં સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.234.73 લાખની સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં હાલોલ વિધાનસભાના શિવરાજપુર છાત્રાલય પાસે, હાલોલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા વિસ્તારના રૂ.59 લાખ 22 હાજરની સહાયનું વિતરણ કરાયું હતું.
શહેરા વિધાનસભાના બસ સ્ટેન્ડ સામેનું ગ્રાઉન્ડ, ગામ ડોકવા ખાતેથી નવનિયુક્ત રાજ્યસભા સાંસદ ડો.જસવંતસિંહ પરમાર અને જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાની ઉપસ્થિતિમાં રૂ.44 લાખની સહાયનું વિતરણ કરાયું હતું.
કાલોલ વિધાનસભાના પાંચ પથરા તાલુકો ઘોઘંબા ખાતેથી ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,જીલ્લા કલેકટર આશિષ કુમાર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.29 લાખ 30 હજારની સહાયનું વિતરણ કરાયું હતું.
મોરવા હડફ વિધાનસભાના પુષ્પદીપ સ્કુલની સામે મોરવા હડફ ખાતેથી ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જીલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.12 લાખ 50 હજારની સહાયનું વિતરણ કરાયું હતું.
ગોધરા વિધાનસભાના એસ.આર.પી. ગ્રૂપ-5ના મેદાન, ગોધરા ખાતેથી ધારાસભ્ય સી.કે.રાઉલજી,ગોધરા, રંજનબેન રાઠોડ પ્રમુખ તાલુકા પંચાયત ગોધરા,પ્રાંત અધિકારી તથા જીલ્લા અગ્રણી અશ્ર્વીનભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ રૂ.18 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી.સ્ક્રિન પર પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.
ગોધરા ખાતેથી ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારએ મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે,આજે નારીશક્તિ સમાજમાં સન્માન મળ્યું છે.આજે દેશના સર્વોચ્ચ પદ પર મહિલાઓને સ્થાન મળ્યું છે.તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળતાપૂર્વક સમાપન અને છેવાડાના વ્યક્તિઓને સરકારની યોજનાઓના લાભ પહોંચાડવા બદલ પંચમહાલ જીલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મહિલાઓએ પણ વિવિધ લાભ બદલ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.ગોધરા ખાતેથી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો અને દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરાયું હતું.
અહીં નોંધનિય છે કે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત પ્રયાસો થકી જીલ્લાની પાંચેય વિધાનસભા વિસ્તારમાં વિવિધ મહાનુભાવો,હોદ્દેદારો,અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.