વડોદરા,
વડાપ્રધાન સીધા હેલિકોપ્ટરથી મેદાનમાં આવનાર હોવા છતાં એક કલાક પહેલાં જ અનેક વિસ્તારોમાં ટ્રાફિક બંધ કરી દેવાતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વડાપ્રધાનની યોજાનારી જાહેરસભાનો સમય બપોરે ૪.૩૦ વાગે જાહેર કરવામાં આવ્યો હતો.પરંતુ તેઓ જતી વખતે નવલખી મેદાનથી બાય રોડ એરપોર્ટ જવાના હોવાથી પોલીસે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડયું હતું.
જો કે,મોદીજી હેલિકોપ્ટરથી સીધા મેદાનમાં આવ્યા હતા.પરંતુ તેઓ પરત ફરે તેના એક કલાક પહેલાં જ ફતેગંજ બ્રિજ તેમજ આસપાસના વિસ્તારો સહિતના સ્થળોએ ટ્રાફિક બંધ કરી દેવાયો હતો.જેને કારણે ચારે બાજુએ ચક્કાજામ થઇ ગયો હતો.
એક તબક્કે ટ્રાફિકમાં અટવાઇ ગયેલા લોકોએ બૂમો પાડીને તેમજ હોર્ન વગાડીને રોષ વ્યક્ત કર્યો હતો.તેમણે વારંવાર ચીચીયારીઓ પણ પાડી હતી.આખરે લોકોનો રોષ ફાટે તેમ જણાતાં જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા દોડી આવ્યા હતા અને તેમણે થોડીવાર માટે ટ્રાફિક ચાલુ કરાવી મોદીજીની સભા પુરી થાય તે પહેલાં ફરી બંધ કરાવી સ્થિતિ સંભાળી હતી.
શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામ થતાં કેટલાક સ્થળોએ એમ્બ્યુલન્સો પણ અટવાઇ ગઇ હતી.તો કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા.જેને કારણે વાહનચાલકોમાં આક્રોશની લાગણી વ્યક્ત થઇ હતી.ફતેગંજ વિસ્તારમાં પોણો થી એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ વારંવાર ચીચીયારીઓ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.એક તબક્કે બંદોબસ્ત જાળવતી પોલીસ સાથે પણ લોકોની ચકમક થઇ હતી. નવલખીથી પાંચેક કિમી દૂરના વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ થવાના બનાવો બન્યા હતા.તો કેટલાક સ્થળોએ ટયુશન ક્લાસો તેમજ ખાનગી ઓફિસો પણ બંધ કરી દેવી પડી હતી.