પ્રધાનમંત્રી આવાસ યોજના: ગ્રામીણ અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ૬ લાખથી વધુ આવાસોને મંજૂરી અપાઈ

  • ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે.મંત્રી હળપતિએ કહ્યું કે, રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર, સ્વચ્છતા, વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે આ વર્ષના બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘર વિહોણા પરિવારોને પોતાનું પાકુ ઘરનું ઘર પ્રદાન કરવામાં સહાયરૂપ થવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ૬ લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને આશરે ૫ લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને લાભાર્થી દીઠ રૂપિયા ૨૦ હજાર એમ કુલ ૭૨ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત જંગલોમાં વસતા આદિમજૂથોને આવાસની સુવિધા પૂરી પાડવા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટમાં રૂ. ૧૬૪ કરોડની જોગવાઇ કરાઈ છે. તેમણે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંગે વાત કરતા કહ્યું કે, ગત બે વર્ષમાં રાજ્ય સરકારે શૌચાલય વિહોણા ૬૮, ૪૬૩ કુટુંબોને પાકા શૌચાલયની સુવિધાથી આવરી લેવાયા છે. સાથે સાથે પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ૪.૯૪ લાખ વ્યક્તિગત સોકપીટ અને ૬૪ હજાર સામુહિક સોકપીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ઘન કચરાના નિકાલ માટે ૧૫ હજારથી વધુ ગામોમાં કચરાનું ડોર-ટુ-ડોર કલેકશન પણ કરવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત ગોબરગેસને પ્રોત્સાહન આપવા રાજ્યમાં ગોબરધન યોજના અંતર્ગત ૩૮ ક્લસ્ટર બેઇઝ બાયોગેસ પ્લાન્ટ માટેના આયોજન સાથે ૭,૨૭૬ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં કલસ્ટર દીઠ ગોબરધન પ્રોજેકટ માટે આ વર્ષે અંદાજપત્રમાં રૂ. ૨૫ કરોડની જોગવાઈ કરાઈ છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ૨૩,૪૩૨ સ્વ-સહાય જુથોની રચના કરી ૩.પ૦ લાખથી વધુ પરિવારોને જોડવામાં આવ્યા છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ૧૯ હજારથી વધુ યુવક/યુવતીઓને કૌશલ્યવર્ધન દ્વારા સ્વ-રોજગાર માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. આગામી ૫ વર્ષમાં ગુજરાતના ૧૦ લાખ ગ્રામીણ મહિલાઓના સ્વ-સહાય જૂથને સામાજિક સાહસોના માયમથી આજીવિકા સાથે જોડાણ કરવા માટે રૂ.૧૦ કરોડ સોશિયલ એન્ટરપ્રાઈઝ ફંડ આપવાની જોગવાઈ કરાઈ છે.