પીએમ આવાસના ગ્રાન્ટની ગેરકાયદે લ્હાણી, ભાંડો ફૂટતાં રિકવરીની માથાકૂટ

દાહોદ, દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જ કૌભાંડ છે એવું નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી આવાસ યોજનામાં પણ મહા ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું છે. પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારી ટોળકીએ જાણે લ્હાણી કરી હોય તેમ ગેરકાયદેસર એકાઉન્ટમાં ગ્રાન્ટ આપી દીધી છે. કોઈની રજૂઆત હોય કે કચેરીઓમાં અંદરોઅંદર ભાંડો ફૂટી જતાં હવે રિકવરી કરવા દોડધામ મચી છે. એક નહિ પરંતુ અનેક બેંક ખાતાઓમાં આવાસના હપ્તાઓ ચૂકવાઇ ગયા હોઇ મામલો ગંભીર બન્યો છે. આ તરફ તાલુકા દ્વારા નોટીસ ઉપર નોટીસ ફટકારવામાં આવી છતાં ખોટા લાભાર્થીઓ રકમ જમા નથી કરાવતાં તો કાર્યવાહી પણ થતી નથી. એકબીજાની મિલીભગતથી અથવા ઈરાદાપૂર્વક ખોટાં લાભાર્થીઓને સહાય ચૂકવી દેવામાં આવી હોવાની ચોકાવનારી ભ્રષ્ટ ઘટનાથી ગ્રામ વિકાસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારી શું પારદર્શક છે ? ના હો, અનેક ગેરકાયદેસર લાભાર્થીઓને ખોટી રીતે આવાસ યોજનાના હપ્તાઓ ચૂકવી દેવામાં આવ્યા છે. સાગડાપાડા સહિત અનેક ગામોમાં લાભાર્થી ના હોય તેવા ઇસમોના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે આવાસ યોજનાના સહાયના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આટલુ જ નહિ, સાચા લાભાર્થીને બદલે ખોટાં લાભાર્થીઓના બેંક ખાતામાં રકમ જમા થઈ ગઈ અને આ રકમ ખોટા લાભાર્થીઓએ ઉપાડીને વાપરી પણ દીધી છે. અનેક ખોટાં બેંક એકાઉન્ટમાં સહાય જમા થઈ અને સાચા લાભાર્થી રહી જતાં મામલો તાલુકા અને જિલ્લામાં પહોંચ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, ખોટી જગ્યાએ સહાય ચૂકવાઇ હોઇ પરત કરો, પરંતુ ખોટા લાભાર્થીઓ સહાય પરત કરતાં નથી. આમ છતાં ફતેપુરા તાલુકા, ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયત કોણે અને કેમ ભ્રષ્ટાચાર કર્યો તે શોધી શક્યા નથી. આટલુ જ નહિ, ભ્રષ્ટાચારીઓ શોધવાનું તો દૂર પરંતુ ખોટાં દાવાઓ ઉભા કરનાર, ખોટા કાગળો મંજૂર કરનાર અને ખોટી સહાય મેળવનાર વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી પણ કરી શક્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગ્રામ પંચાયતના 2 કેસો સામે આવ્યા છે પરંતુ જો ધોરણસરની તટસ્થ તપાસ થાય તો અનેક ગ્રામ પંચાયતોમાં પીએમ આવાસ યોજનામાં મહા કૌભાંડ થયાનું સામે આવી શકે છે. આ સમગ્ર કૌભાંડ કોઈ એક કર્મચારીએ નહિ પરંતુ સંગઠિત ટોળકીએ કર્યું તેમજ સહાય મેળવનારની પણ સાંઠગાંઠ છતાં ફતેપુરા તાલુકા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી કસૂરવારો શોધી શકી નથી. સમગ્ર મામલો જોતાં કાયદેસરની પોલીસ ફરિયાદ થઇ શકે તેવો હોવાનું રેકર્ડ આધારિત છતાં કોઈ કાર્યવાહી નથી એ બાબત જ અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. આનાથી પણ વધારે ગંભીર એ છે કે, ખોટી સહાય ચૂકવાઇ ગયા બાદ નોટીસ આપી સહાય પરત કરવાની તંત્રએ માંગણી કરી છતાં ખોટી સહાય મેળવનાર બેંક ખાતાધારકો રકમ પરત કરતાં નથી તો આવું કેવી રીતે શક્ય બને ? એ પણ ચોંકાવનારો સવાલ છે.