પાકિસ્તાનમાં ક્રિકેટ

મહિલાઓના હકમાં

આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં થનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને ત્યાં જવાને લઈને જે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, તેણે ફરી એક વાર આ બંને પડોશી દેશોના પરસ્પર સંબંધોના તણાવને જાહેર કરી દીધો છે. જોકે બીસીસીઆઇ પહેલાં કેન્દ્ર સરકારે એ નિર્ણય લેવાનો છે કે ભારતીય ટીમને ત્યાં જવાની રજા આપવી કે નહીં, પરંતુ ૨૦૦૮ના મુંબઈ હુમલા બાદથી જ બંને દેશોના સંબંધોમાં ખટાશ યથાવત રહી છે, તેથી ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન જવાનો પ્રશ્ર્ન હાલ તો ઉપસ્થિત જ નથી થતો અને સૂત્રોના હવાલાથી દાવો પણ કરાયો છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને કહી દીધું છે કે આ ટૂર્નામેન્ટની ભારતની મેચો શ્રીલંકા કે દુબઈમાં આયોજિત કરવામાં આવે.

પાકિસ્તાનની યજમાનીમાં થયેલ પાછલા એશિયા કપ ટૂર્નામેન્ટમાં પણ ભારતની મેચો ‘હાઇબ્રિડ મોડલ’ અંતર્ગત શ્રીલંકામાં રમાડી હતી. એવું જ આ વખતે પણ કરી જ શકાય. ભારત અને પાકિસ્તાન, બંને દેશોમાં ક્રિકેટને લઈને એક ખાસ પ્રકારનું ઝનૂન છે અને બંનેની પરસ્પર મેચોમાં ઘણો ઉત્સાહ હોય છે. પરંતુ કોઈપણ રમત કે ખેલાડી રાષ્ટ્રનિરપેક્ષ નથી હોતા. એવામાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ યોગ્ય જ સવાલ ઉઠાવ્યો કે પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવા માટે આખરે એવું શું કર્યું છે કે આપણી ટીમ ત્યાં જાય?

આપણે જ સંબંધો સુધારવાની જવાબદારી એકલા કેમ ઉઠાવીે? જમ્મુ-કાશ્મીરમાં આજે પણ તે આતંકીઓને ખાતર-પાણી ઉપલબ્ધ કરાવે છે. હાલના આતંકી હુમલા તેના ઠોસ પ્રમાણ છે. પછી એવું કેવી રીતે થઈ શકે કે એક તરફ આપણે આપણા જવાનો ગુમાવતા રહીે અને બીજી તરફ પાકિસ્તાન જઈને આપણા ક્રિકેટરો પોતાના ખેલથી લોકોનું મનોરંજન કરે?

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આથક હાલત તેના મુલ્કની જેમ જ ખસ્તાહાલ છે અને એટલે જ તે આઇસીસીને સતત અરજ કરતં રહે છે કે બીસીસીઆઇને મનાવે કે બંને દેશોના ક્રિકેટ સંબંધો બહાલ થઈ જાય. પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે પાકિસ્તાની સરકાર ઇમાનદાર પહેલ કરશે. વળી સવાલ આપણા ખેલાડીઓની સુરક્ષાનો પણ છે. આ ટૂર્નામેન્ટ કરાચી, રાવલપિંડી અને લાહોરમાં થવાની છે. પાકિસ્તાનની આંતરિક સુરક્ષાની હાલત કોઈથી છૂપી નથી. ત્યાં ભારત પ્રત્યે પારંપરિક વેરભાવથી પોષિત લોકોની અછત નથી. એવામાં પાકિસ્તાન આપણા ક્રિકેટરોને સુરક્ષા આપવાની ગેરંટી પર કેટલી ખરી ઉતરી શકશે એ શંકાસ્પદ છે.

આ પૃષ્ઠભૂમિમાં કોઈ ત્રીજ દેશમાં હાઇબ્રીડ મોડલ અંતર્ગત રમવાનું સૂચન એક સુરિક્ષત વિકલ્પ છે. પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે તે કોઈ અન્ય દેશ પર તહોમત નાખવાની સ્થિતિમાં નથી. તેનું બેમોંઢાપણું આખી દુનિયા સામે કેટલીય વાર ઉજાગર થઈ ચૂક્યું છે અને હવે તો તેના મિત્ર દેશોની મુદ્રાઓ પણ બદલાવા લાગી છે. તેથી તેણે દુનિયાનો ભરોસો જીતવા માટે આતંકીઓને પોષવાનું બંધ કરવું પડશે. તેના ક્રિકેટરો અથવા બીજા કલાકારો ત્યારે જ ખરા અર્થમાં ‘સદ્ભાવનાના દૂત’ કહી શકાશે!