પાકિસ્તાનના પ્રવાસે ટીમ ઈન્ડિયા જશે? પીસીબીએ બીસીસીઆઇ પાસે મંજૂરી માંગી

નવીદિલ્હી, જ્યાં એક તરફ પાકિસ્તાન આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની યજમાની માટે તૈયાર છે તો બીજી તરફ પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની યજમાની છીનવી લેવાનો પડછાયો પણ મંડરાઈ રહ્યો છે.

જેનું કારણ છે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. વાસ્તવમાં, બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધોને કારણે, ભારતીય ક્રિકેટ ટીમે ઘણા વર્ષોથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી અને ન તો આ બંને ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય સીરિઝ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર આઇસીસીની મોટી ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. આ બંને ટીમો છેલ્લી વખત વનડે વર્લ્ડકપ ૨૦૨૩માં સામસામે આવી હતી. હવે ફરી એકવાર આ બંને ટીમો ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ દરમિયાન ટકરાશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી આગામી સપ્તાહે દુબઈમાં યોજાનારી આઇસીસીની બેઠકમાં ભાગ લઈ શકે છે.આઇસીસીની આ બેઠકમાં મોહસિન નકવી બીસીસીઆઇ સચિવ જય શાહ સાથે મંજૂરી અંગે ચર્ચા કરી શકે છે.

વાસ્તવમાં, સુરક્ષાની ચિંતાઓને કારણે અને ભારત સરકારની પરવાનગી વિના,બીસીસીઆઇ ક્યારેય ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના પ્રવાસે મોકલી શકે નહીં. અગાઉ, એશિયા કપ ૨૦૨૩ ની યજમાની પણ પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે કારણ કે BCCI એ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે એશિયા કપ ૨૦૨૩ની કેટલીક મેચો પાકિસ્તાનમાં અને કેટલીક મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.બીસીસીઆઇના સૂત્રોનું માનવું છે કે ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ સંપૂર્ણપણે ભારત સરકાર પર નિર્ભર છે. હવે જોવાનું એ રહે છે કે આઇસીસીની બેઠકમાં શું નિર્ણય લેવાય છે?