પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસ બેકફૂટ પર, ટિપ્પણી અત્યંત ખોટી અને અસ્વીકાર્ય,જયરામ રમેશ

નવીદિલ્હી, પૂર્વમાં ભારતીયો ચીન જેવા દેખાય છે જ્યારે દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છેપકોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ આ ટિપ્પણી કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે. ભાજપે તેની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે સામ પિત્રોડાના ‘પીપલ ઈન ઈસ્ટ’ પર નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે સામ પિત્રોડાની ટિપ્પણીઓ અત્યંત ખોટી અને અસ્વીકાર્ય છે અને કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.

જયરામ રમેશે ટ્વીટ કર્યું, “ભારતની વિવિધતાને દર્શાવવા માટે પોડકાસ્ટમાં સામ પિત્રોડા દ્વારા ઉપયોગમાં લેવાયેલ સામ્યતા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પોતાને આ સામ્યતાઓથી સંપૂર્ણપણે અલગ કરે છે.” એક મુલાકાતમાં, પિત્રોડાએ લોકશાહી ઉદાહરણ તરીકે ભારતની સ્થિતિની ચર્ચા કરી, કહ્યું કે દેશના લોકો “૭૫ વર્ષ સુધી ખૂબ જ ખુશ વાતાવરણમાં જીવ્યા, અહીં અને ત્યાં થોડી લડાઈઓને છોડીને જ્યાં લોકો એક સાથે રહી શકે.”

સામ પિત્રોડાએ કહ્યું, “આપણે ભારત જેવા વૈવિધ્ય સભર દેશને એક્સાથે મૂકી શકીએ છીએ  જ્યાં પૂર્વના લોકો ચીન જેવા દેખાય છે, પશ્ર્ચિમના લોકો અરબો જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે આપણે બધા ભાઈઓ અને બહેનો છીએ. આ તે ભારત છે જેમાં હું માનું છું, જ્યાં દરેક માટે જગ્યા છે અને દરેક જણ થોડું સમજુતી કરે છે.”

પિત્રોડાની વિવાદાસ્પદ ટિપ્પણીનો જવાબ આપતાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પરની એક પોસ્ટમાં કહ્યું: “સામ ભાઈ, હું ઉત્તર-પૂર્વનો છું અને હું એક ભારતીય જેવો દેખાઉં છું. અમે વૈવિધ્ય સભર દેશ છીએ  અમે ભલે અલગ દેખાઈએ, પરંતુ આપણા દેશ વિશે થોડું સમજો!

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પિત્રોડાની ટિપ્પણીઓને “જાતિવાદી અને વિભાજનકારી” ગણાવી. તેમણે ટોણા મારતા તેમને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુરુ કહ્યા.