પિતાએ પરણિત દીકરીના પ્રેમીની હત્યા કરી:રાજકોટમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકનું છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું, હત્યારો PGVCLનો નિવૃત કર્મચારી

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં આવેલ દર્શવીલા બંગ્લોમાં પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના યુવાનની પ્રેમિકાના પિતા દ્વારા હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજેન્દ્રભાઇ રાઠોડ PGVCLના નિવૃત કર્મચારી છે તેઓ પોતાની પુત્રી અને જમાઈ સાથે રહેતા હતા આજે સાંજના 4 વાગ્યા આસપાસ તેઓ પોતાના ઘરની અંદર દીકરી સાથે તેના પ્રેમીને જોઈ જતા ઉશ્કેરાઈ જતા બન્ને વચ્ચે ઝપાઝપી થતા છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ પ્રેમી યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલનગર ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાં આવેલ દર્શવિલા બંગ્લોમાં આજે સાંજના 4 વાગ્યા આસપાસ ઉપલેટાથી આસીફ સોરા (ઉ.વ.30) નામનો યુવાન તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. આસીફ તેની પ્રેમિકા સાથે તેના ઘરમાં નીચે હોલમાં આવેલ સોફામાં બેઠો હતો ત્યારે પ્રેમિકાના પિતા રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ.65) જોઈ જતા આસીફ અને રાજેન્દ્રભાઈ વચ્ચે ઝપાઝપી થઇ હતી જેમાં રાજેન્દ્રભાઇએ રોષે ભરાઈ આસિફને પગના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં આસીફને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત નીપજ્યું હતું.

દીકરી સાથે પ્રેમીને જોઈ જતા પિતાએ ઉશ્કેરાઈને હુમલો કર્યો બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી જેથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પીઆઇ, પીએસઆઈ તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આશીફ સોરાને આરોપી રાજેન્દ્ર રાઠોડની દીકરી સાથે લગભગ છેલ્લા બે વર્ષ પ્રેમસબંધ હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક યુવાન આજ રોજ ઉપલેટાથી રાજકોટ તેની પ્રેમિકાને મળવા માટે રાજકોટ આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ત્યારે રેલનગર સ્થિત તેના ઘરમાં પ્રેમિકા તેના પિતા અને તેનું બાળક હાજર હતું તેનો પતિ હાજર ન હતો અચાનક પ્રેમિકાના પિતા ઉપરના માળેથી નીચે આવતા પ્રેમી સાથે દીકરીને જોઈ જતા ઝપાઝપી થઇ હતી અને પ્રેમિકાના પિતા રાજેન્દ્રભાઇ રાઠોડએ છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી દીધેલ છે.

આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.65)ના પત્નીનું અવસાન થઇ ગયું છે અને રેલનગર સ્થિત તેમના ઘરમાં તેમની દીકરી અને જમાઈ સાથે રહેતા હતા. આરોપી રાજેન્દ્રભાઇ રાઠોડ PGVCLના નિવૃત કર્મચારી છે જેમને વૃદ્ધાવસ્થામાં જેલના સળિયા ગણવાનો વખત આવ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી હત્યામાં વપરાયેલ છરી કબ્જે લેવા સહિતની જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી છે.