પિતાએ કૂકરના 10 ઘા મારી દીકરીની હત્યા કરી : ઘરકામના બદલે મોબાઇલ પર વાતો કરતી હોઈ, પિતા નારાજ હતો

સુરત શહેરમાં ગયા રવિવારથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતું. સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ તેની જ પુત્રીની કૂકરના ઘા મારી હત્યા નીપજાવી દેતાં ચકચાર મચી છે. પુત્રી ઘરકામ કરવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોઈ, ઉશ્કેરાયેલા પિતાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલના કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે. હવે મોબાઈલને કારણે હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું છે. સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર તેનાં ત્રણ સંતાનો અને પત્ની સાથે રહે છે. મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો. ઘરમાં તેની 18 વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતાં.

જ્યારે હેતાલીની માતા અને એક બહેન નોકરી પર ગયાં હતાં. હેતાલીની માતા જ્યારે નોકરી પર ગઈ ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગઈ હતી. એ બાબતે પિતાએ પણ ટકોર કરી, પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોઈ, મુકેશ પરમાર ઉશ્કેરાયો હતો અને રસોડામાં પડેલું કૂકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ 10 ઘા મારતાં દીકરી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી.

હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ચોકબજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી આરોપી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે ચોકબજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી. વી. વાગડિયાએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. ઘરકામને લઈ પિતા-પુત્રી વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વિવાદ થતો હતો. દીકરી સૂઈ રહી હતી એ દરમિયાન પિતાએ કૂકરના ઘા મારી તેની હત્યા કરી છે. આરોપી પિતાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેને ઘરકામ માટે કહેવામાં આવે ત્યારે તે કરતી નહોતી અને મોબાઈલ પર વાતો કરતી હતી..