પિતા-પુત્રની મારામારીમાં સંબંધીની હત્યા : પિતાને છોડાવવા આવેલા યુવકનું ઉશ્કેરાયેલા પુત્રોએ ઢીમ ઢાળી દીધું, લીમખેડાના કંબોઈનો બનાવ

દાહોદ જિલ્લાના લીમખેડાના કંબોઈ ગામે નજીવી બાબતે થયેલ મારામારીમાં કુહાડી, લાકડીઓ તથા પથ્થરો મારી હુમલો કરતા એક શખ્સને શરીરના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વાગતા સ્થળ પર મોત નીપજતા તેની લાશને હત્યારા ઈસમોએ ગામના સીમાડે ડુંગરમાં આવેલા એક ખેતરમાં ફેંકી ફરાર થઈ જતા પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના કંબોઈ ગામે આમેણ ફળિયામાં રહેતા સાગીત સબુર રાવત, લલિત સબુર રાવત તથા મેહુલ સબુર રાવત એમ ત્રણેય ભાઈઓ ભેગા મળી પોતાના પિતા સબુર પુનિયા રાવતની સાથે મારકુટ કરતા હોઈ સબુરભાઈની પત્ની સાવલીબેને માતવા ગામના તળાવ ફળિયાના નગરસિંહ ગુડિયાભાઈ મીનામાને ફોન કરતા નગરસિંહ મીનામા, કમલેશ નવલસિંહ તડવી તથા સંજય નરસિંગ મછાર વગેરેએ આવી સબુરભાઈને મારમાંથી છોડાવ્યા હતા.

ત્યારબાદ તે તમામ સાગીતભાઈ, લલીતભાઈ તેમજ મેહુલભાઈના ઘરે જઈ ઝઘડો નહીં કરવા સમજાવતા તે ત્રણે ભાઈઓ એકદમ ઉશ્કેરાયા હતા અને સબુરભાઈને જમણા હાથે ફેક્ચર કરી તેમજ નગરસિંહ મીનામાને તમો કેમ વચ્ચે છોડાવવા આવ્યા છો? કહીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી સાગીત રાવતે માથામાં કુહાડીનો ઘા મારી તેમજ ત્રણેય ભાઈઓએ ભેગા મળી લાકડી તથા પથ્થર વડે માર મારી ગંભીર ઈજાઓ કરી હતી. જ્યારે કમલેશભાઈ નવલસિંહ તડવીને ત્રણે ભાઈઓએ ભેગા મળી કુહાડી, લાકડી તથા પથ્થરથી માથામાં તથા શરીરે મૂઢ માર મારી મોતને ઘાટ ઉતારી તેની લાશને કંબોઈ ગામના સીમાડે ડુંગરમાં આવેલ ખેતરમાં ફેંકીને નાસી ગયા હતા.

આ સંબંધે માતવા ગામના ઇજાગ્રસ્ત નગરસિંગ ગુડિયાભાઈ મીનામાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે કંબોઈ ગામે આમેણ ફળિયામાં રહેતા સાગીત સબુર રાવત, લલીત સબુર રાવત તથા મેહુલ સબુર રાવત વિરુદ્ધ બીએનએસ ક્લમ 103(1), 115(2), 117(2), 118(1)(2), 238, 352, 351(3), 54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર ત્રણેય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.