
યુપીના અલીગઢમાં ગૌહત્યાના આરોપીઓની માહિતી પર દરોડો પાડવા જઈ રહેલી પોલીસ અને એસઓજીની ટીમ સાથે મોટો અકસ્માત થયો છે. દરોડા પહેલા પિસ્તોલ લોડ કરતા સમયે એક ઈન્સ્પેક્ટરની પિસ્તોલ અટકી ગઈ. જ્યારે અન્ય સબ-ઇન્સ્પેક્ટરે તે પિસ્તોલ ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમાં ફસાયેલી ગોળી તેના પેટને ચીરી તે એસઓજી કોન્સ્ટેબલના માથામાં વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સબ-ઇન્સ્પેક્ટરની સારવાર ચાલી રહી છે.
અલીગઢના એસએસપી સંજીવ સુમને જણાવ્યું કે બુધવારે રાત્રે પોલીસ ટીમ સાથે મોટો અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું કે ૯ જુલાઈના રોજ જિલ્લાના ગભના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌહત્યાની ઘટના બની હતી. આમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટેશન અને એસઓજીની રચના કરવામાં આવી હતી.
બુધવારે રાત્રે એક બાતમીદાર પાસેથી આરોપી વિશે માહિતી મળી હતી. જે બાદ પોલીસ અને એસઓજી દરોડો પાડવા જતા હતા. દરોડા પહેલા દરેક જણ પોતપોતાના હથિયારો લોડ કરી રહ્યા હતા. આ દરમિયાન ઈન્સ્પેક્ટર મઝહર હસનની પિસ્તોલ ફસાઈ ગઈ હતી. જ્યારે તે અનલૉક ન થઈ, ત્યારે અન્ય ઇન્સ્પેક્ટર રાજીવ કુમારે તેને અનલૉક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અચાનક એક ગોળી છૂટી ગઈ હતી અને ઈન્સ્પેક્ટર રાજીવ કુમારના પેટને ચીરતા બાજુમાં ઉભેલા ર્જીંય્ કોન્સ્ટેબલ મોહમ્મદ યાકુબના માથામાં વાગી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યો, જ્યારે ઈન્સ્પેક્ટરની સારવાર ચાલી રહી છે.