પીપલોદ પોલીસ મથકમાંથી દારૂ ચોરનાર કોન્સ્ટેબલ સહિત 10ને 4 દિવસના રિમાન્ડ

દાહોદ, પીપલોદ પોલીસ મથકમાંથી દારૂની પેટીઓની ચોરી કરી જનારા પોલીસ કોન્સ્ટેબલ સહિત 15 સામે ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે ગેંગ લીડર કોન્સ્ટેબલ સહિત 10 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. આ તમામને ચાર દિવસમાં રિમાન્ડ ઉપર રાખવાની પરવાનગી આપવામાં આવી હતી.

તા.20 ઓગસ્ટએ સ્ટેટ મોનીટરીંગ સેલે અસાયડીથી પકડેલો 46.42 લાખનો દારૂનો જથ્થો પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાં પંચનામાં માટે મુકી રાખ્યો હતો. ત્યારે તકનો લાભ લઈને કોન્સ્ટેબલ શૈલેષ ગોપાલભાઈ સાથે જી.આર.ડી.ટી.આર.બી.તથા કુલ અન્યોએ મળી કુલ 15 લોકોએ દારૂની 916 પેટીઓમાંથી 23 પેટીની ચોરી કરી લીધી હતી. 1.38 લાખની દારૂની 430 બોટલોની ચોરી મામલે એલસીબીની તપાસ બાદ પીપલોદ પોલીસ મથકે દારૂની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ધટનાની તપાસ દે.બારીઆના પી.એસ.આઈ.કે.એન.લાઠીયાને સોંપવામાં આવી હતી. પ્રકરણમાં કોન્સ્ટેબલ શૈલેષ, 7 જી.આર.ડી., 1 ટી.આર.બી. તેમજ અન્ય એક વ્યકિત મળીને 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજુ કરીને પોલીસમાં જ ફરજ બજાવતા હોવા છતાં પોલીસ મથકમાંથી ચોરી એ ગંભીર ગુનો છે ચોરી કરેલા દારૂના જથ્થાનુ શુ કર્યુ તે સહિતના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આ 10ને 4 દિવસના રિમાન્ડ ઉપર રાખવાનો હુકમ આપ્યો હતો. આ પ્રકરણમાં સામેલ અન્ય 5 લોકોની તપાસ શરૂ કરી છે.