પાલનપુર, બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરવાડીયા ગામનો વાલ્મિકી સમાજનો પરિવાર પોતાની ઘરવખરી અને બકરીઓ લઈને પહોંચી જતા હડકંપ મચી ગયો છે. પોતાને મળેલ પ્લોટનો કબજો મેળવવાની માંગ સાથે પરિવારે પોતાના નાના બાળકો સહિત ૧૫ લોકો સાથે ટીડીઓની ચેમ્બર આગળ જ ખાટલા ઢાળીને ધામાં નાખી દીધાં છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહિ મળે ત્યાર સુધી વડગામ તાલુકા પંચાયત કચેરીને જ પોતાનું ઘર બનાવીને રહેવાનો નિર્ધાર કરતાં અધિકારીઓ દોડતા થયા છે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના વરવાડીયા ગામે ૧૯૮૭ ની સાલમાં ગામના વાલ્મિકી સમાજના વ્યક્તિ મફાભાઇ વાલ્મિકીને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. જોકે તે પ્લોટ ઉપર ગામના જ કોઈ વ્યક્તિએ મકાન બાંધી દેતા પીડિત પરિવાર ગામની બહાર ગોચર જમીનમાં તાડપત્રી બાંધીને પોતાના નાના બાળકો સહિત ૧૫ લોકો સાથે રહેવા મજબુર બન્યો હતો. જોકે અનેકવાર રજૂઆતો કરવા છતાં આ પરિવારને ન્યાય ન મળતાં આજે આ વાલ્મિકી પરિવાર પોતાની ઘરવખરી તેમજ બકરીઓ અને નાના બાળકો સાથે વડગામ તાલુકા પંચાયત કચેરીએ જીપ ડાલું લઈને પહોંચ્યો હતો. જ્યાં બકરીઓ અને ઘરની ઘર વખરી ટીડીઓની ઓફિસ આગળ જ ઉતારીને ત્યાં ખાટલા પાથરીને ડેરો નાંખ્યો છે.
પીડિત પરિવારે આક્ષેપ કર્યા હતા કે અમને વર્ષો પહેલા સરકાર દ્વારા ગામમાં પ્લોટ ફાળવાયો હતો. પરંતુ એ પ્લોટ ઉપર ગામના જ ઈસમે મકાન બનાવી દેતા અમે વર્ષોથી ગામની બહાર તાડપત્રી લગાવીને રહીએ છીએ, જેથી અમને બહુ તકલીફ પડી રહી છે અમે અનેકવાર ગ્રામપંચાયત અને ટીડીઓને રજુઆત કરી પણ કઈ જ પરિણામ ન આવતા આજે અમે અમારી તમામ ઘરવખરી લઈને તાલુકા પંચાયત કચેરીમાં જ રહેવા આવી ગયા છીએ. જ્યાર સુધી અમને ન્યાય નહિ મળે ત્યાર સુધી અમે અહીંયા જ રહીશું.
પીડિત મફાભાઈનો પુત્ર ધર્મેશભાઈ વાલ્મીકીએ જણાવ્યું કે, અમને જે પ્લોટ મળ્યો હતો તેની ઉપર બીજા વ્યક્તિએ મકાન બનાવી દીધું છે જેથી અમે હવે ઘરવખરી લઈને તાલુકા પંચાયત રહેવા આવ્યા છીએ. તો વાલ્મીકી સમાજના આગેવાન સરદારભાઈ પુરબીયાએ કહ્યું કે, આ ગરીબ પરિવારને અન્યાય થયો છે જેથી અમે જ્યાં સુધી તેમને ન્યાય નહિ મળે ત્યાર સુધી અહીંયા રહીશું.
પ્લોટ ઉપર પોતાનો કબજો મેળવવા માટે ગરીબ પરિવારે તાલુકા પંચાયતમાં નાના બાળકો અને ઘરવખરી સાથે ધામા નાંખતા તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ તેમજ ત્યાં આવતા અરજદારો અચરજ પામ્યા છે. જોકે પરિવારે હવે તાલુકા પંચાયતમાં રહેવાની ચીમકી ઉચ્ચારતા તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક મામલાની તપાસ કરીને પીડિત પરીવારને ન્યાય આપવાની વાત કરાઈ રહી છે. આ વિશે નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશ દેસાઈએ જણાવ્યું કે, અમે તાત્કાલિક આ મામલે તપાસ કરીને ઘટતું કરીશું.