ભરૂચ,
નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા ૫ લોકો ભટકાઈ જતા ત્રણના મોત નિપજ્યા છે જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નારેશ્ર્વર દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એકજ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. ઉલ્લેખનીય છે કે જર્જરિત જુના સરદાર બ્રિજ ઉપર ભારે વાહનો ન પ્રવેશે તે માટે એક નિશ્ર્ચિત ઊંચાઈ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે. મોડિફાઈ પીકઅપ વાનમાં ડ્રાઇવરની કેબીન ઉપર બેઠેલા લોકો રેલિંગમાં ભટકાઈ ગયા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતમાં રહેતો ધામેલીયા પરિવાર ધુળેટીની રજા હોવાથી નારેશ્ર્વર દર્શન માટે ગયો હતો. પરિવારના કેટલાક સભ્યો પીકઅપ વનમાં ડ્રાઇવરની કેબિનની ઉપર બેઠા હતા. તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના આસરે સાડા સાતેક વાગ્યાના અરસામાં પીકઅપ વાન નં GJ-૦૫-BX-૮૭૯૧ ભરૂચ નજીકથી પસાર થઇ હતી. પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયાને નેશનલ હાઇવે ઉપર જુના સરદાર બ્રિજના છેડે ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડવામાં આવેલ રેલિંગનો અંદાજ ન રહેતા તેમણે પુરપાટ ઝડપે આ રેલિંગ તરફ ગાડી હંકારી હતી. કેબિનની ઉપર ૫ જેટલા લોકો બેઠા હોવાનુઈ તેણે ધ્યાનમાં રાખ્યા વિના રેલિંગમાંથી ગાડી પસાર કરી દીધી હતી.
આ બેદરકારીના કારણે કેબીન ઉપર બેઠેલા રમેશભાઇ હરજીભાઇ ધામેલીયા ઉ.વ. ૪૫ તેનો પુત્ર અક્ષીતભાઇ રમેશભાઇ ધામેલીયા ઉ.વ.૨૪ તથા ક્રિસ કમલેશભાઇ ધામેલીયા ઉ.વ. ૧૬, કમલેશભાઇ ભુપતભાઇ ધામેલીયા ઉ.વ.૪૦ રેલિંગ સાથે ભટકાયા હતા. આ ચારેયને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇ સારવાર મળે તે પહેલાજ મૃત્યુ પામ્યા હતા જયારે ટૂંકી સારવાર બાદ વધુ એકે અંતિમ શ્ર્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહોને પોસ્ટ મોટર્મ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડી પીકઅપ વાનના ચાલાક કેશભાઇ રાઘવભાઇ માંગુકીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.