ફોન બાબતના ઠપકામાં એકની એક દીકરીનો આપઘાત:મોબાઇલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો ને દીકરીએ ફાંસો ખાઈ લીધો

સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના કારણે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 18 વર્ષીય યુવતીએ સતત ફોનમાં વ્યસ્ત રહેતા ખાવામાં વધુ મીઠું નાખી દીધું હતું. આ બાબતે તેણીના પિતાએ ઠપકો આપતા માઠું લગી આવ્યું હતુ અને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. એકના એક સંતાન એવી દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો છે. 24 કલાકમાં સુરતમાં ફોન બાબતના ઠપકામાં બે દીકરીના આપઘાતના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓડિશા અને પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવ નગરમાં 18 વર્ષીય દીપા નટુભાઈ બીસવાલ પરિવાર સાથે રહેતી હતી. પિતા સંચાક કારીગર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપા પરિવારનું એકનું એક જ સંતાન હતી. પરિવારે દીપાને ખૂબ જ પ્રેમથી મોટી કરી છે. હાલ દીપા માત્ર ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી.

માતા પણ મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. ગતરોજ માતા કામ પર ગયા હતા, જ્યારે પિતા સાંજે ઘરે હતા અને સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી દીકરીથી રસોઈમાં મીઠું વધુ પડી ગયું હતું. જેથી પિતા દ્વારા મોબાઈલને લઈને ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પિતા નોકરી પર જતા રહ્યા હતા. રાત્રે 9:00 વાગ્યા આસપાસ પરત ફરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી.

પરિવારનું એકનું એક સંતાન એવી દીપાએ આકરું પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. દીપાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મોબાઈલમાં તે સતત વ્યસ્ત રહેતી હતી, જેથી ખાવામાં મીઠું વધી જતા માત્ર ઠપકો આપ્યો હતો. માત્ર એક ઠપકાના કારણે આ પગલું ભરી લીધું હોય તેવી આશંકા છે. હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.